પાકિસ્તાન સાથેની સરહદે વસેલું ભારતનું છેલ્લું ગામ પક્ષીઓનું મનપસંદ આશ્રય સ્થાન બન્યું
વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાનું સરહદી રાછેણા ગામ હાલના દિવસોમાં કુદરતના અદભૂત નજારાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાવથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા આ ગામના તળાવે દર વર્ષની માફક આ વર્ષે પણ હજારો વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. સફેદ રણની વચ્ચે આવેલા આ તળાવમાં ઉતરેલા ગુલાબી રંગના સુરખાબ (ફ્લેમીંગ્સ) પક્ષીઓએ સમગ્ર વિસ્તારને જાણે જીવંત ચિત્રમાં ફેરવી દીધો હોય એવા અદભુત દ્રશ્ય સર્જાયા છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યાં તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી જાય છે, ત્યાં આ વિદેશી પક્ષીઓનું આગમન સ્થાનિકો માટે આશ્ચર્ય અને આનંદનો સુભગ સમન્વય બની રહે છે. તસ્વીરોમાં કેદ થયેલો આ નજારો કોઈ વિદેશી દેશનો નહીં પરંતુ ભારતના છેવાડાના સરહદી ગામ રાછેણાનો હોવાનું જાણીને લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
રાછેણા ગામના યુવા સરપંચ કિરણસિંહ રાજપુતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના સીમાડે આવેલા આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને પંચાયત દ્વારા તેની નિયમિત જાળવણી પણ કરવામાં આવે છે. હાલ તળાવના રિનોવેશનનું કામ પણ હાથ ધરાયું છે જેથી પાણીની સંગ્રહ ક્ષમતા વધે અને પક્ષીઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર નડાબેટની જેમ આ સરહદી વિસ્તારમાં પણ પ્રવાસન વિકાસ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવે તો રાછેણા ગામ ભવિષ્યમાં નળ સરોવર જેવુ પ્રસિદ્ધ સહેલગાહ સ્થળ બની શકે છે. હાલમાં પણ વિદેશી પક્ષીઓને જોવા માટે દૂરદૂરથી લોકો અહીં ઉમટી પડે છે. સ્થાનિક ગ્રામજનો અને પંચાયત દ્વારા પક્ષીઓની સુરક્ષા અને દેખરેખ માટે વિશેષ તકેદારી રાખવામાં આવે છે.
દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અને સરહદી ૨૫ કિલોમીટરનું વિશાળ સફેદ રણ પાર કરીને આ વિદેશી પક્ષીઓ રાછેણા ગામના મહેમાન બને છે. કુદરતની આ અણમોલ ભેટ આજે સમગ્ર સરહદી પંથક માટે ગૌરવનું કારણ બની છે. સુરખાબ પક્ષીઓના ઝુંડ તળાવમાં ઉતરતા સમગ્ર વિસ્તાર ગુલાબી રંગમાં રંગાઈ જાય છે અને કુદરત પ્રેમીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.





