લો-વોલ્ટેજ અને અવારનવાર પાવર કટથી મોટરો-કેબલ બળી જતાં ભારે નુકસાન
ભીલડી પંથક અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી વીજ પુરવઠાની કથળેલી પરિસ્થિતિને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વીજ કંપની દ્વારા આપવામાં આવતી વીજળીમાં વારંવારના કાપ અને ખોટા પાવર (વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન) ના કારણે ખેતીના મોંઘા ઉપકરણોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, જેનાથી સ્થાનિક જગતના તાતમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજ કંપની દ્વારા ખેતીવાડી ફીડરમાં પૂરતા પ્રમાણમાં અને સ્થિર વોલ્ટેજ પૂરા પાડવામાં આવતા નથી. વોલ્ટેજમાં સતત વધ-ઘટ થવાને કારણે સિંચાઈ માટે વપરાતી સબમર્સિબલ મોટરો, કેબલ વાયર અને સ્ટાર્ટર જેવા કિંમતી સાધનો બળી જવાના બનાવો બની રહ્યા છે. એક તરફ બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ વીજળીના વાંકે ઉપકરણોના સમારકામનો વધારાનો આર્થિક બોજ ખેડૂતો પર આવી પડ્યો છે.
સરકાર દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ ભીલડી પંથકમાં ભર બપોરના એક વાગે ધોમધખતા તાપમાં વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે વીજ કંપની દ્વારા બપોરના બદલે વહેલી સવારે અને સાંજે ચાર વાગ્યા બાદ અનુકૂળ સમયે અને પૂરતા વોલ્ટેજ સાથે સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે. જો વીજ કંપની દ્વારા વીજ પુરવઠાના સમયપત્રકમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે અને લો-વોલ્ટેજની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન થવાની સંભાવના છે.





