દેશમાં લોકશાહી મૂલ્યો અને સંવિધાનની રક્ષા કરવાના મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરના ઘટનાક્રમો અને ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અને ‘લોકશાહી બચાવો’ ના નારાઓ સાથે શહેરમાં એક વિશાળ રેલી કાઢી હતી.
આ રેલી દરમિયાન વિરોધપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને તાત્કાલિક ધોરણે તેમના રાજીનામાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી. સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા તેમજ લોકશાહીની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનને કારણે હિંમતનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.





