હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વસતી ગણતરીમાં ઓબીસી (OBC) માટે અલગ શ્રેણીની જોગવાઈ કરવા તેમજ જાતિ આધારિત વસતી ગણતરી હાથ ધરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, દેશમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા અને પછાત વર્ગોને તેમની વસ્તીના પ્રમાણમાં પૂરતો હિસ્સો અને યોજનાકીય લાભ મળે તે માટે જાતિ આધારિત વસતી ગણતરી અત્યંત આવશ્યક છે. લાંબા સમયથી સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા આ માંગ ઉઠાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે આગામી સમયમાં થનારી વસતી ગણતરીની પ્રક્રિયામાં ઓબીસી સમાજની ચોક્કસ આંકડાકીય માહિતી મેળવવા માટે પૃથક કૉલમ કે અલગ શ્રેણી રાખવામાં આવે. જો સરકાર દ્વારા આ મા અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.





