રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ
મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે:- જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી મહા મેળા માટે અત્યારસુધી ૯૦૦ જેટલા પદયાત્રી સંઘો તથા ૩૦૩ જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા. બેઠકમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોનો વિકાસ થયો છે. વડાપ્રધાનની વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ નિર્માણ પામ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં ૧૬૦૦ કરોડના વિકાસ કાર્યો કરાશે જેનાથી અંબાજીની કાયાપલટ થશે. દરવર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં ૪૦ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરવર્ષે અહીં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાય છે જેનાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે છે. આ વર્ષે પણ શ્રેષ્ઠ આયોજન કરાયું છે. તેમણે ઉપસ્થિત સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ વર્ષે ભાદરવી પૂનમ મહા મેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. કચરો ડસ્ટબીનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં ૧૬૨૪ જેટલા પદયાત્રીઓના સંઘ રજીસ્ટ્રેશન થયેલા છે ત્યારે ચાલીને આવતા માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સબંધિત બંધોબસ્ત થી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આગામી મેળામાં ૮ સેક્ટર અને ૧૬ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં કુલ ૫૦૦૦ જેટલો પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે. અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે. તેમણે જણાવ્યું કે, પહાડી વિસ્તારમાં ઘોડે સવાર જવાનો ફરજ બનાવશે. મોબાઈલ વાન, વોચ ટાવર, સી.સી.ટી.વી કંટ્રોલ રૂમ સહિત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરાશે. તેમણે અંબાજી મેળામાં જતા રસ્તાઓ વળાંક વાળા હોવાથી ટ્રેકટરોનો ઉપયોગ ના કરવા અપીલ કરી હતી. તમામ લોકોને દર્શનનો લાભ મળે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાશે. બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે, મંદિર ટ્રસ્ટ દ્વારા અધ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં પદયાત્રી સેવા સંઘ સહિત સેવાકીય કેમ્પોની નોંધણી થઈ રહી છે. અત્યાર સુધી આ પોર્ટલ પર ૯૦૦ જેટલા પદયાત્રી સંઘોની નોંધણી તથા ૩૦૩ જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ ચૂકી છે. ચાલુ વર્ષે પાસ પણ ઓનલાઇન વિતરણ કરાશે. મેળામાં સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી, ૩૨ જેટલા પાર્કિંગ પ્લોટ, રોડ પર સ્ટ્રીટ લાઈટ, સફાઈ ઝુંબેશ માટે ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. દિવ્યાંગો માટે વ્હીલ ચેર, પ્રસાદ કેન્દ્ર, ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા, સમગ્ર મેળાનું લાઈવ પ્રસારણ તથા ૧૨ થી વધારે એલ.ઈ.ડી ડિસ્પ્લે લગાવવામાં આવશે. તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતા જાળવવા તથા પદયાત્રા સંઘમાં આવતા પહેલા એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર