માલદીવમાં ભારતીય સૈનિકોને કોણ કરશે રિપ્લેસ? જાણો શું કહ્યું આ અંગે વિદેશ મંત્રાલયે  

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

માલદીવમાં ઉડ્ડયન પ્લેટફોર્મ પર તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને કુશળ ભારતીય તકનીકી કર્મચારીઓ સાથે બદલવામાં આવશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આની જાહેરાત કરી. મોહમ્મદ મુઇઝ્ઝુની આગેવાની હેઠળની માલદીવ સરકાર દ્વારા માલેમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની ઔપચારિક વિનંતી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ સંદર્ભે, બીજી ઉચ્ચ સ્તરીય કોર જૂથની બેઠક 2 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાઈ હતી અને ત્રીજી બેઠક આ મહિનાના અંતમાં યોજાવા જઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “માલદીવમાં હાલના કર્મચારીઓને સક્ષમ ભારતીય ટેકનિકલ કર્મચારીઓ દ્વારા બદલવામાં આવશે. ભારત ત્રણેય ઉડ્ડયન પ્લેટફોર્મ પરથી તેના સૈનિકોને હટાવવા માટે સંમત થયું છે. “લશ્કરી કર્મચારીઓને 10 માર્ચ સુધીમાં એક પ્લેટફોર્મ પરથી અને 10 મે સુધીમાં બાકીના બે પ્લેટફોર્મ પરથી બદલવામાં આવશે.”

આ સિવાય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં વધુ એક વાત પર ભાર મૂક્યો છે. જણાવ્યું હતું કે માલદીવના લોકોને માનવતાવાદી અને મેડેવેક સેવાઓ પૂરી પાડતા ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મનું સતત સંચાલન સુનિશ્ચિત કરવા બંને દેશો વ્યવહારિક ઉકેલો પર પરસ્પર સંમત થયા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય કોર ગ્રૂપની આગામી બેઠક માલદીવની રાજધાની માલેમાં યોજાશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.

માલદીવમાં 70 ભારતીય સૈનિકો તૈનાત

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મોહમ્મદ મુઈઝુએ પ્રચાર દરમિયાન ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે માલદીવમાં વિદેશી સૈનિકોની કોઈ જરૂર નથી અને તેમની હાજરી દેશની સંપ્રભુતા માટે ખતરો છે. સત્તામાં આવ્યા પછી પણ આ મુદ્દો રાષ્ટ્રપતિ મુઈઝુની પ્રાથમિકતાઓમાં રહ્યો છે. સંસદમાં તેમના તાજેતરના નિવેદન પહેલા, તેમણે ભારતીય સૈનિકોને 15 માર્ચ સુધીમાં માલદીવ છોડી દેવાનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. તેમના ચીન પ્રવાસથી પરત ફર્યા બાદ આ નિવેદન આવ્યું છે. હાલમાં, લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે તૈનાત છે.

માલદીવ માટે 770.9 કરોડ રૂપિયાનું બજેટ

બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત સરકારે માલદીવ માટેના બજેટમાં 770.9 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે વધુ માહિતી મળ્યા બાદ નવા આંકડાઓ સુધારીને જાહેર કરવામાં આવશે. જયસ્વાલે કહ્યું કે બજેટ દ્વારા માલદીવને 770.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને આ વાસ્તવમાં પહેલા કરતા વધુ છે. જ્યારે, અગાઉ તેનો અંદાજ 600 કરોડ રૂપિયા હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.