ફક્ત તાજમહેલ જ નહીં, આજે આ 4 ધાર્મિક વિવાદો પર કોર્ટથી આવ્યા ચુકાદા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં આજે 4 જગ્યાએ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા વિવાદ (four religious disputes)માં સુનાવણી થઈ. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઇને કોર્ટના નિર્ણય પર લોકોની નજર હતી. બીજી તરફ આગ્રાના તાજમહેલમાં 22 રૂમ ખોલાવવાને લઇને પણ અરજી પર સુનાવણી થઈ. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટે નીચેની અદાલતને 4 મહિનાની અંદર સંબંધિત અરજીઓનો નિવેડો લાવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે અરજદાર BJP નેતાને ફટકાર લગાવી

તો મધ્ય પ્રદેશના ધારમાં ભોજનશાળા વિવાદને લઇને હાઈકોર્ટની ઇંદૌર ખંડપીઠે હિંદુ સંગઠનની અરજી સ્વીકારી લીધી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને ઝાટકો આપ્યો છે. તાજમહેલના 22 બંધ દરવાજાઓ ખોલવાની માંગ પર કોર્ટે અરજદાર BJP નેતાને ફટકાર લગાવી. તેમને તાજમહેલ વિશે રિસર્ચ કરીને આવવા કહ્યું. આ રીતે આજે ક્યાંક મુસ્લિમ પક્ષને ઝાટકો લાગ્યો તો ક્યાંક હિંદુ પક્ષને કોર્ટે આડેહાથ લીધો.

કોર્ટ કમિશ્નરની સાથે વધુ 2 વકીલો સાથે રહેશે

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદ કેસમાં કોર્ટે સ્પષ્ટ નિર્ણય આપ્યો હતો કે, કોર્ટ કમિશ્નરને હટાવવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, 17 મે પહેલા ફરીથી સર્વે કરવામાં આવશે. કોર્ટ કમિશ્નરની સાથે વધુ 2 વકીલો પણ રહેશે. મુસ્લિમ પક્ષકારોએ કોર્ટ કમિશ્નરની બદલીની માંગણી કરી હતી, જેને સિવિલ જજે ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષ દ્વારા મસ્જિદની અંદરના સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વાંધો પણ કોર્ટે ફગાવી દીધો હતો. આનાથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે.

કમિશ્નરની બદલી નહીં કરવાનો નિર્ણય લીધો

ચુકાદા પહેલા કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી હતી. પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાદીઓ માટે એડવોકેટ સુધીર ત્રિપાઠીએ કોર્ટ કમિશ્નરની બદલી સામે વાંધો ઉઠાવતા આગ્રહ કર્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પણ સર્વે અને વિડીયોગ્રાફી થવી જોઈએ. જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે જણાવ્યું કે, “કોર્ટે કમિશ્નર અજય મિશ્રાની બદલી નહીં કરવાનો નિર્ણય લીધો છે અને તાળા ખોલીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 17 મે સુધીમાં રિપોર્ટ માંગ્યો છે. જો કોઈ કાર્યવાહીનો વિરોધ કરે તો તેની સામે FIR દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.”

PIL સિસ્ટમનો દુરુપયોગ થવો જોઈએ નહીં

તાજમહેલના બંધ ઓરડાઓ ખોલવાની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે અરજદારને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તાજમહેલ વિશે સંશોધન કર્યા પછી જ અરજી દાખલ કરવી જોઈએ. કોર્ટે અરજી દાખલ કરનાર અયોધ્યાના BJP નેતાને PILની મજાક ન ઉડાવવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે પહેલા વાંચી લો તાજમહેલ ક્યારે અને કોણે બંધાવ્યો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયએ અરજદારને ઠપકો આપતા કહ્યું કે, PIL સિસ્ટમનો દુરુપયોગ થવો જોઈએ નહીં. તેની મજાક ન કરો. તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા જઈને સંશોધન કરો. યુનિવર્સિટીમાં જાઓ, PhD કરો, પછી કોર્ટમાં આવો. જ્યારે કોઈ તમને સંશોધન કરતા અટકાવે ત્યારે અમારી પાસે આવો. હવે તમારા હિસાબે ઈતિહાસ નહીં ભણાવવામાં આવે.

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસ

અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં નીચલી કોર્ટને નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને નિર્દેશ આપતા કહ્યું કે, મૂળ કેસ સાથે સંબંધિત તમામ અરજીઓનો વહેલી તકે નિકાલ કરવામાં આવે. હાઈકોર્ટે આ તમામ અરજીઓનો વધુમાં વધુ 4 મહિનામાં નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોને સુનાવણીમાં હાજર ન રહેવા પર એકપક્ષીય આદેશ આપવાનો નિર્દેશ આપ્યો છે.

શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ

શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનની માલિકીની માંગ કરતી અરજી મથુરાની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે મથુરાની જિલ્લા અદાલતે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ પણ ઘણી જૂની છે. કોર્ટે વર્ષ 2020માં મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

ધાર જિલ્લાનો ભોજશાળા વિવાદ

મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો ભોજશાળા વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ સંબંધિત અરજી સ્વીકારી લીધી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભોજશાળા સરસ્વતી મંદિર છે, જ્યાં મુસ્લિમોને નમાજ પઢવાથી રોકવું જોઈએ. હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે અરજી સ્વીકારી છે અને આઠ લોકોને નોટિસ જારી કરી છે. જેમાં કેન્દ્ર સરકારનો પણ સમાવેશ થાય છે.

ભોજશાળા સરસ્વતીનું મંદિર

ધાર સ્થિત ભોજશાળાનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. હિન્દુઓ દાવો કરે છે કે ભોજશાળા સરસ્વતીનું મંદિર છે. બીજી તરફ મુસ્લિમો તેને કમાલ મૌલાનાની દરગાહ કહે છે. પરંતુ દર વર્ષે સરસ્વતી પૂજાના અવસરે બંને સમુદાયના લોકો સાંપ્રદાયિક સૌહાર્દનો દાખલો બેસાડે છે. એક તરફ દેવી સરસ્વતીની પૂજા થાય છે અને બીજી બાજુ અઝાન થાય છે. હવે એક હિન્દુ સંગઠન હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.