ફ્લાઈટમાં સામાન લોડ ના કરતાં વિદ્યાર્થીઓ સહિત ૬૦ મુસાફરો લંડનમાં અટવાઈ ગયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, એરલાઈનના કારણે પેસેન્જરો હેરાન થયા હોય તેવા કિસ્સા અવારનવાર આવતા રહે છે. કયારેક કોઈક એરપોર્ટ પર સામાન રહી ગયો હોય અથવા તો કયારેક જે-તે સ્થાનેથી પ્લેનમાં બેઠા હોય ત્યાંથી જ સામાન લોડ કરવાનો રહી ગયો હોય તેવું બનતું હોય છે. એરલાઈનો બાદમાં સામાન મુસાફરો સુધી પહોંચાડી આપતી હોય છે પરંતુ એ દરમિયાન જે માનસિક યાતના થાય છે તે આખી મુસાફરીની મજા બગાડી નાખે છે. હાલમાં જ આવું એર ઈન્ડિયાની ફ્લાઈટમાં થયું છે. મંગળવારે વહેલી સવારે અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉપડી હતી. તેમાં બેઠેલા મુસાફરો હીથ્રો એરપોર્ટ પર અટવાઈ પડયા કારણકે તેમનો સામાન આવ્યો જ નહોતો. એર ઈન્ડિયાના એરપોર્ટ સ્ટાફને પણ સામાન કયાં છે તેના વિશે કોઈ જાણકારી નહોતી પરંતુ સામાન મળી જશે તેવી બાંહેધરી તેમણે આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમદાવાદથીA1 161ફ્લાઈટ ઉપડી હતી અને વાયા દિલ્હીથીલંડનના હીથ્રો એરપોર્ટ પર બુધવારે સવારે પહોંચી હતી. પોતાનો સામાન લેવા માટે પેસેન્જરો કન્વેયર બેલ્ટ પર પહોંચ્યા ત્યારે બેગ આવી જ નહીં. લગભગ ૬૦ મુસાફરોની બેગો ખોવાઈ ગઈ છે. તેઓ પૂછપરછ કરવા માટે સ્ટાફ પાસે પહોંચ્યા ત્યારે તેમણે રુક્ષતાથી સામાન લોડ ના થયો હોવાનું કહી દીધું. સામાન દિલ્હીમાં રહી ગયો છે કે અમદાવાદમાં તેનો સંતોષકારક જવાબ મુસાફરોને મળ્યો નહોતો. સ્ટાફે ફક્ત એટલું જ કહ્યું કે, તેમનો સામાન હીથ્રો એરપોર્ટ પર આવી જશે એટલે તેમને જાણ કરવામાં આવશે. પરંતુ સામાન કેટલા સમયમાં આવશે તેની કોઈ ચોક્કસ માહિતી આપાવામાં આવી નહોતી.

સામાન રહી ગયો હતો તેમાંથી કેટલાય પેસેન્જરોને યુએસ અને કેનેડાની કનેક્ટિંગ ફ્લાઈટમાં બેસવાનું હતું. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. અમદાવાદની વિદ્યાર્થિની સોનાલી શાહે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, *હું પહેલીવાર કેનેડા જઈ રહી છું અને એ પણ સ્ટડી વિઝા પર. હું સામાન વગર શું કરીશ તેની મને ચિંતા છે.* સોનાલી શાહ તેની ફ્લાઈટ ચૂકી શકે તેમ નહોતી અને સામાનની રાહ જોઈને બેસી રહે તે પણ શકય નહોતું. જેથી તે સામાનની રાહ જોયા વિના જ કેનેડાની કનેક્ટિંગ ફ્લાઈટમાં બેસી ગઈ હતી.

યુકેમાં રહેતા સમીર પટેલે પોતાના સામાનની રાહ જોવામાં લગભગ ૩ કલાક એરપોર્ટ પર કાઢયા હતા. જ્યારે તેમણે સ્ટાફને પૂછયું તો સામાન આવશે ત્યારે સંપર્ક કરીશું તેવો જવાબ મળ્યો હતો.*મારી બેગમાં કેટલોક કિંમતી સામાન હતો. આશા રાખું છું કે તે સુરક્ષિત હોય*, તેમ ચિંતાતુર સ્વરે સમીર પટેલે જણાવ્યું હતું. ૨૪ કલાક વીતી ગયા છે છતાં એરલાઈન તરફથી સામાન અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.