
નિર્ભયા કેસ : ચાર દોષિતને કાલ સવારે ૫.૩૦ વાગે ફાંસી નક્કી.
નવી દિલ્હી
નિર્ભયાના ચારેય દોષિતોને આવતી કાલે સવારે ૫.૩૦ વાગે ફાંસી આપવામાં આવશે. ગુરુવારે એક દોષિત પવન ગુપ્તાની માફી અરજી રદ્દ થઈ ગઈ છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પવન અને અક્ષય ઠાકુરની બીજી અરજીને નામંજૂર કરી દીધી છે. સરકારી વકીલે દિલ્હીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કહ્યું હતુ કે ચારેય દોષિત પાસે કોર્ટમાં કોઈ જ વિકલ્પ બાકી નથી.
એડિશનલ સેશન્સ કોર્ટમાં દોષિત અક્ષય સિંહ ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાએ અરજી કરી હતી, જેમાં ફાંસી નહીં આપવા વિનંતી કરી હતી. દરમિયાન તિહારમાં બે સહાયક અધિક્ષક દીપક શર્મા અને જય સિંહને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.
દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થી સાથે ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ રાત્રે ૬ લોકોએ ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઈજાને લીધે ૨૬ ડિસેમ્બરે સિંગાપુરમાં ઈલાજ સમયે નિર્ભયાનું મોત થયું હતું. ઘટનાના ૯ મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૩માં નીચલી કોર્ટે ૫ દોષિતો રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા કરી હતી. માર્ચ ૨૦૧૪માં હાઈકોર્ટે અને મે,૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને યથાવત રાખી હતી. ટ્રાયલ સમયે મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક દોષિત સગીર હોવાથી ૩ વર્ષમાં સુધાર ગૃહમાંથી છૂટી ગયો હતો.