કોરોના વાઈરસ / ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ લોકોના મોત, મૃતકોનો કુલ આંક ૯૦૮ થયો; ૪૦ હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન
નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ હવે સમગ્ર દુનિયા માટે જોખમ બની ગયો છે. ચીનમાં અત્યાર સુધી ૯૦૮ લોકોના મોત થયા છે. રવિવાર સુધી મૃતકોનો આંક ૮૧૧ હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ લોકોના મોત થયા છે. તેમાંથી ૯૧ લોકોના મોત હુબેઈમાં થયા છે. આ સિવાય ઈન્ફેક્શનના નવા ૩૦૬૨ કેસ સામે આવ્યા છે. વાઈરસથી પીડિતોની સંખ્યા ૪૦ હજારને પાર થઈ ગઈ છે.
કોરોના વાઈરસ માત્ર ૧૫ સેકન્ડમાં જ વ્યક્તિને તેની ઝપટમાં લઈ લે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત સહિત ઘણાં દેશોમાં વૈજ્ઞાનિક આ વાઈરસની વેક્સીન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વાઈરસના કારણે સમગ્ર દુનિયામાંથી અંદાજે ૧૦૦ લોકોના મોત થઈ રહ્યા છે.
કોરોના વાઈરસના જોખમોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં તપાસ વધારી દીધી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે રવિવાર સુધી દેશના ૨૧ એરપોર્ટ પર ૧૮૧૮ ફ્લાઈટ્સના ૧.૯ લાખ પેસેન્જર્સની તપાસ કરવામાં આવી છે. ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં પણ અત્યારે ૯૪૫૨ લોકોને સર્વિલાંસ પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે અત્યારે સૌથી પહેલાં ઈન્ફેક્શન રોકવાની પ્રાથમિકતા છે.
આ સિવાય અત્યાર સુધી અંદાજે ૧૫૧૦ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાંથી ૧૫૦૭ કેસ નેગેટિવ નોંધવામાં આવ્યા છે. જે ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે ત્રણેય કેરળના છે. વાઈરસને રોકવા માટે ચીન સિવાય સિંગાપોર, થાઈલેન્ડ અને હોંગકોંગથી આવતી દરેક ફ્લાઈટ પર નજર રાખવામાં આવી રહી છે.
એક દિવસ પહેલાં જ ચીન ઓફિસર્સે કોરોના વાઈરસ વિશે ખૂબ ભયજનક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ વાઈરસ હવે હવામાં આવેલા સુક્ષ્મ બિંદુઓ સાથે ભળી રહ્યા છે અને બીજા વ્યક્તિને ઈન્ફેક્શન ફેલાવી રહ્યા છે. આ પ્રક્રિયાને એરોસોલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. અત્યાર સુધી વાઈરસના ડાયરેક્ટ ટ્રાન્સમિશન અને કોન્ટેક્ટ ટ્રાન્સમિશન વિશેનો ખુલાસો થયો છે. શંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઉપ પ્રમુખે જણાવ્યું છે કે, એરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ છે કે વાઈરસ હવે હવામાં આવેલા સુક્ષ્મ બિંદૂઓ સાથે મળીને એરોસોલ બનાવી રહ્યો છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આનાથી શ્વાસ લેવાથી પણ ઈન્ફેક્શન લાગી શકે છે.