
કડી-છત્રાલ રોડ ઉપર અકસ્માતમાં અવસાન પામેલા ભાઈની બંને આંખોનું ત્રણ ભાઈઓએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો
કડી ત્રિભુવન સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ સોમનાથ પટેલ અને તેમના પત્ની બંને જણા ચારધામની યાત્રા કરવા ગયા હતા અને યાત્રા કરીને અમદાવાદ ખાતે ઉતર્યા હતા. જ્યાંથી તેમના સગાની ગાડીમાં પતિ-પત્ની સહિત ચાર લોકો કડી ખાતે આવી રહ્યા હતા. જે દરમિયાન ગંગોત્રી હોટેલ પાસે પહોંચતા તેમની સ્વીફ્ટ ડિઝાયર ગાડીનો અકસ્માત થયો હતો.
અકસ્માત થતા લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. જે દરમિયાન ગાડીમાં બેઠેલ હર્ષદભાઈ સોમનાથ પટેલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ગાડીમાં બેઠેલ ત્રણ ઇસમોને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પુત્ર અને પુત્રી વિદેશમાં વસવાટ કરતા હોવાથી મૃતકના ત્રણે ભાઈઓએ ડોક્ટરની સલાહ મુજબ તેમના મૃતક ભાઈની બંને આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
સામાજિક સંસ્થા લાયન્સ ક્લબના મયંકભાઇ, આનંદભાઈ અને ધર્મેન્દ્ર ભાઈનો સંપર્ક કરતા ત્રણેય સામાજિક કાર્યકર્તા કુંડાળ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને મૃતકની બંને આંખોનું કલેક્શન કરી બંને આંખોને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં બંને આંખોનું દાન કરાતા બે લોકોના જીવનમાં રોશની પથરાશે.