ગાંધીનગરના યુવકે કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું

મહેસાણા
મહેસાણા

ગાંધીનગર જિલ્લાના ટીટોડા ગામના યુવકે પ્લોટ ઉપર રૂપિયા 7 લાખની લોન કરાવી હતી અને જે પૈસા અન્ય લોકોને આપ્યા હતા. જે બાદ યુવકે પૈસાની ઉઘરાણી કરતા સાત લાખ રૂપિયા લેનાર ધમકી આપતા હતા અને પૈસા ન આપવાની વાત કરતા યુવક ઘરેથી નીકળી ગયો હતો. પૈસા લેનાર લોકોના ત્રાસથી કેનાલમાં કુદકો મારી જીવન ટૂંકાવી દીધું હતું. યુવકની લાશ કડી તાલુકાના કરણનગર પાસે પસાર થતી વાય જંકશન કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ગામના વતની રમેશજી ખોડાજી ઠાકોર કે જેઓ કડિયાકામ કરતા હતા અને તેમના પત્ની થોડાક વર્ષો અગાઉ અવસાન પામ્યા હતા. રમેશજી ઠાકોર પોતાના ભાઈના ઘરે રહેતા હતા. જેઓને એક દીકરી હતી તેના પણ લગ્ન થઈ ગયા હતા. રમેશજી ઠાકોર તેમના ભાઈ છોટાજી ઠાકોરના ઘરે રહી કામકાજ કરી ગુજરાન ચલાવી રહ્યા હતા. મંગળવારે સવારે પોતાનું બાઈક લઈને તેઓ ઘરેથી કડિયાકામ કરવા સારું જઉં છું તેવું કહીને નીકળ્યા હતા. જે બાદ મંગળવારે સાંજ સુધી ઘરે પરત રમેશજી ન આવતા તેમના ભાઈ તેમજ પરિવારજનોએ તેમના ફોન ઉપર ફોન કર્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા અને રમેશજી ઠાકોરની શોધખોળ હાથ ધરી હતી.

મોડી રાત સુધી રમેશજી ઠાકોર ઘરે પરત ના આવતા તેમના પરિવારજનોએ તેમના સગા સંબંધી અને પરિચિત મિત્રોનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી પણ તેમનો કંઈ જ સંપર્ક થયો ન હતો. જે બાદ બુધવારે બપોરના સમયે તેઓને જાણ થઈ હતી કે, તેમના ભાઈની લાશ કડી તાલુકાના કરણનગર વાય જંકશનમાંથી મળી આવી છે. જ્યાં રમેશજી ઠાકોરના પરિવારજનો કરણનગર વાય જંકશન કેનાલ પાસે આવી પહોંચ્યા હતા સાથે ઘટનાસ્થળે કડી પોલીસ પણ દોડી આવી હતી. રમેશજી ઠાકોરની લાશ બહાર કાઢી લાશનો કબજો મેળવી લાશની તપાસ કરતા ખિસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતું. જ્યાં એક તેમના હસતાક્ષરની ચિઠ્ઠી મળી આવી હતી.રમેશજી ઠાકોરના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “હું પોતે રમેશજી ખોડાજી (ગામ-ટીંટોડા, ગાંધીનગર)નો વતની છું. મેં વીણાબેન વિરમજી ઠાકોર તથા વિરમજી મોહનના કહેવા પ્રમાણે મેં જયેશભાઈ પટેલ ખોડિયાર ફાઇનાન્સ જોડેથી 7 લાખની લોન પુષ્પાબેન વિકાસ કુમાર મકવાણા, વીણાબેન, વિરમજી મોહનજીને અપાવી છે. આ વ્યક્તિઓ મને હેરાન કરવા લાગ્યા અને પૈસા નહીં આપવાનું કહીને ધમકી આપવા લાગ્યા હતા.” જેવી ચિઠ્ઠીમાં લખેલું લખાણ જણાયું હતુ. જ્યાંરે બીજા પેજમાં ગુનેગારોના નામમાં વીણાબેન વિરમજી ગામ સાઈજ, વિરમજી મોહનજી, પુષ્પાબેન વિકાસ કુમાર મકવાણા, જયેશભાઈ પટેલ ખોડીયાર ફાઇનાન્સ કલોલ સીટી મોલનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે તેમની લાશને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રમેશજી ઠાકોરના ભાઈએ ચારે વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.