મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે ચૂંટણી નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે લોકસભા અને વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમાયેલા ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં નોડલ અધિકારીઓ પાસેથી તેમને સોંપાયેલી કામગીરી અંતર્ગત પૂર્વ તૈયારીઓ અને આયોજનની ઝીણવટભરી વિગતો મેળવતા વિસ્તૃત સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ ચૂંટણી સ્ટાફનાં ઓર્ડર, રેન્ડમાઈઝેશન, ખાસ મતદાન મથકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ચૂંટણી સ્ટાફ મેળવવો, ચૂંટણી સ્ટાફની તાલીમનું આયોજન, ઈવીએમ-વીવીપેટનાં રેન્ડમાઈઝેશન, મટીરીયલ મેનેજમેન્ટ, ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાં વાહનો સહિતનાં સંસાધનો, મીડિયા મોનિટરિંગ અને પ્રચાર-પ્રસિદ્ધિ વગેરે બાબતે સંબંધિત નોડલ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.

ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતા બાબતોની વખતો વખતની સૂચનાઓનું જિલ્લાના તમામ અધિકારીઓ/ કચેરીઓ, ચૂંટણી લડતા ઉમેદવારો, રાજકીય પક્ષો વગેરે દ્વારા ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તેની તકેદારી રાખવા સંદર્ભે એમસીસી નોડલ ઓફિસરને વિગતવાર જાણકારી આપી હતી. મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરતા તેમણે જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત સહિત પોલીસ અને સીઆરપીએફને કામગીરી અંગે બ્રિફિંગ, તાલીમ, રહેવાની વ્યવસ્થા સહિતનાં આયોજન અંગે સૂચના આપી હતી. વધુમાં તેમણે ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી આયોગના NGR/PGR સિસ્ટમમાં નોંધવામાં આવતી આદર્શ આચારસંહિતાનાં ભંગ સહિતની તમામ પ્રકારની ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે તેની તકેદારી રાખવા વિશે નોડલ ઓફિસર ફરિયાદ નિવારણને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત લોકસભા અને 26 વિજાપુર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તમામ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાર જાગૃતિ સંબંધિત વધુને વધુ સ્વીપ પ્રવૃતિઓ હાથ ધરવા કલેક્ટરએ સૂચના આપી હતી. તમામ વર્ગનાં મતદારો મતદાનનો અધિકાર ભોગવી શકે તે માટે તંત્ર દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે લોકસભા અને 26 વિજાપુર વિધાનસભા મતદાર વિભાગનાં તમામ મતદાન મથકો ખાતે જરૂરી રેમ્પ, વ્હીલચેર વાહન, મદદનીશ વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા તાકિદ કરી હતી.મહેસાણ જિલ્લામાં 07 મે 2024ના રોજ મતદાન યોજાનાર હોઈ કલેક્ટરે ચૂંટણી પંચની માર્ગદર્શિકાનો સઘન અભ્યાસ કરી પોતાને સોંપાયેલી કામગીરીનાં દરેક પાસાને ધ્યાનમાં રાખી બારીક બાબતોનું આયોજન અને પૂર્વ તૈયારીઓ કરવા નોડલ અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મિન, અધિક નિવાસી કલેકટર એસ.સી.સાવલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, સંબધિત નોડલ અધિકારીઓ,મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.