LRD ભરતી વિવાદમાં બિન અનામત વર્ગનું આંદોલન, આજે આગેવાનોની સરકાર સાથે ૪ વાગ્યે બેઠક
ગાંધીનગરઃ LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે ૧ ઓગસ્ટ, ૨૦૧૮નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની ૨૫૦થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે ૬૬ દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ યોગા કર્યા બાદ ઘ-૪ પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી. જેને પગલે રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ છે અને સાંજે ૪ વાગ્યે બેઠક કરશે.
બુધવારે કેબિનેટ બેઠક મળ્યા પછી પણ સરકારે આ મામલે કોઇ સ્પષ્ટતા ન કરી કે સુધારો શું કરાશે. એક તરફ અનામત કક્ષાની મહિલા ઉમેદવારો આંદોલનનો વાવટો સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી સંકેલવાના મૂડમાં નથી ત્યાં બુધવારે સાંજે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલનનો શંખ ફૂંક્યો હતો.
બુધવારે સાંજે ગાંધીનગરના ઉમિયામાતા મંદિર ખાતે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રતિનિધીઓ મળ્યા હતા જેમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, લોહાણા, બ્રહ્મક્ષત્રિય, સોની અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ ભાગ લઇને બિન-અનામત સંકલન સમિતિની રચના કરાઇ હતી. જેમાં સરકાર મહિલા અનામતના ઠરાવમાં સુધારો કરવાનું રદ્દ કરે અને કોઇપણ પગલું ભરતા પહેલા સમિતિની સાથે પરામર્શ કરે તેવો નિર્ણય લેવાયો છે. જો સરકાર આમ ન કરે તો ગુજરાતભરમાં સરકાર સામે બિન-અનામત જ્ઞાતિઓના લોકો આંદોલન કરી રસ્તા પર ઉતરી આવશે તેવી ચીમકી પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આ બેઠક બાદ ઉચ્ચારી છે.
લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની ૨૫૪ યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. અરજદાર યુવતીઓ તરફથી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, ૨૦૧૯માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ૯૭૧૩ ખાલી જગ્યા પર હથિયારધારી, બિન હથિયારધારી અને જેલ સિપાઇ માટે પરીક્ષા લીધી હતી. ૩૦મી નવેમ્બરે ૨૦૧૯માં ફાઇનલ લિસ્ટ જાહેર કર્યુ હતુ.પરતું તે પૈકી બિનઅનામત વર્ગની યુવતીઓને તા.૧-૮.૨૦૧૮ના ઠરાવ મુજબ મહિલા અનામત પણ આપવામાં આવ્યુ નહોતુ. સરકારે હાલ જે જુના ઠરાવમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે તે ગેરકાયદે અને અન્યાયી છે. જુના ઠરાવ મુજબ જ બિનઅનામત વર્ગની યુવતીઓને નિમણુંકપત્રો આપવા દાદ માગી છે.
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ ૨૦૧૮માં પોલીસ વિભાગની ન્ઇડ્ઢ સંવર્ગની કુલ ૯,૭૧૩ જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ૩૦૭૭ જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા ૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ ૩૧ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.
૧ ઓગસ્ટ, ૨૦૧૮નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ ૬૫ દિવસથી અનામત વર્ગની ૧૦૦થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે ૩૩ ટકા અનામત આપી છે, જો કે ૧લી ઓગસ્ટ ૨૦૧૮નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.