૩૬ માં સ્થાપના દિન… ‘રખેવાળ’ પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર…

ગુજરાત
ગુજરાત

પાકિસ્તાન તથા રાજસ્થાનની સરહદોને અડીને આવેલા ઉત્તર ગુજરાતના છેવાડાના બનાસકાંઠા જિલ્લામાંથી પ્રસિધ્ધ થતું ‘રખેવાળ’ દૈનિક આજે ૩પ વર્ષની સુદીર્ધ અને યશસ્વી અખબારી સફર પૂર્ણ કરી ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ડીસા શહેરમાંથી નિયમિત પ્રસિધ્ધ થતુ ‘રખેવાળ’ દૈનિક ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતવાસીઓમાં  અનેરી ચાહના સાથે હકારાત્મક પત્રકારની હિમાયતના કારણે જ એક આગવો વાંચક વર્ગ ધરાવે છે તો પંથક અને  છેવાડાની પ્રજાના સર્વાંગી વિકાસ માટે પણ ‘રખેવાળ’ સાચા અર્થમાં લોકહૈયાનો ધબકાર પુરવાર થયું છે અને સમયના વહેતા પ્રવાહ સાથે તાલ મિલાવી વાંચકોની મરજી મુજબ વાંચનનો વૈવિધ્યસભર રસથાળ પીરસવામાં પણ અગ્રેસર રહી અવિરતપણે આગેકુચ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતાં રખેવાળ પરિવારની ત્રીજી પેઢી દ્વારા ‘રખેવાળ પ્લસ’ ના નામે યૂટ્યુબ ચેનલ માધ્યમથી ડિજિટલ મીડિયામાં પણ પ્રવેશી કરતાં જ લોક હૈયા માં સ્થાન જમાવી દીધું છે.
સને ૧૯૭રમાં શ્રી અમૃતલાલ બાદરમલ શેઠના તંત્રી પદે સાપ્તાહીક  રૂપે ‘રખેવાળ’નું પ્રકાશન યાત્રા શરૂ થઈ હતી. પંથક અને પ્રજાના સેવાના મૂળ મંત્ર અને અખબારી મૂલ્યોના જતનના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે આરંભાયેલ પ્રકાશન યાત્રા અનેક વિપરીત સંજાગો વચ્ચે પણ આગળ ઘપતી રહી. અને પ મી ફેબ્રુઆરી, ૧૯૮પ થી ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર પૂર્ણ કદના દૈનિક રૂપે પ્રસિધ્ધ થવા લાગ્યું. સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિ વચ્ચે તેની વિકાસ કૂચ જળવાઈ રહેતા આજે  અત્યાધુનિક ઓફસેટ ફોર કલર પ્રિન્ટીંગ અને કોમ્પ્યુટરાઈઝડ  કંપોઝથી સુરજ્જ બન્યું છે. એટલું જ નહીં, આજના ઈન્ફર્મેશન અને હાઈટેક યુગમાં ઈ. અખબાર તરીકે પણ ‘રખેવાળ’ આંગળીના ટેરવે મોબાઈલના તેમજ અન્ય ડિજિટલ માધ્યમથી ઓનલાઈન વંચાવા લાગ્યું છે.
‘રખેવાળ’નું યુનિટ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જેથી અનેક રાજકીય, શૈક્ષણિક, સામાજીક, સ્વૈચ્છીક, સેવાભાવી અને ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો અવાર નવાર શુભેચ્છા મુલાકાતે  આવી જનસેવાની આ પરંપરાને  બિરદાવી છે. તેમજ સેંકડો શુભેચ્છકો અને વાંચકો પણ ઉપયોગી સૂચનો વિકાસ કૂચમાં સહભાગી બન્યાં છે.
પત્રકારત્વ ક્ષેત્રમાં ‘રૂરલ જર્નાલિઝમ ઈઝ રીયલ જર્નાલિઝમ’ની ઓળખ રખેવાળનો મુદ્રાલેખ રહ્યો છે. અગાઉ માતબર અખબારો ગ્રામ્ય પત્રકારત્વ ઉપર ધ્યાન આપતા ન હતા પરંતુ ઉત્તર ગુજરાતના પ્રથમ દૈનિક બનવાનું શ્રેય ધરાવનાર ‘રખેવાળ’ ગ્રામ્ય પત્રકારત્વના  આદર્શનિષ્ઠ મૂળભૂત સિધ્ધાંતને આરંભથી આજદિન સુધી બખૂબી નિભાવી જાણ્યો છે. જે વાસ્તવિકતાને સ્વીકારી માતબર અખબારો પણ હવે ગ્રામ્ય પત્રકારત્વને મહત્વ આપવા લાગ્યા છે. ગુજરાત-રાજસ્થાનની આંતરરાજ્ય સરહદો તથા ભારત-પાકિસ્તાનની સરહદોની સલામતીની વાત હોય, પશુઓની તસ્કરીની વાત હોય, માનવ કલ્યાણ કે જીવદયાની તથા સંસ્કૃતિના રક્ષણ  કે સમાજના દૂષણની વાત હોય,ગામડાઓની મૂળભૂત જરૂરીયાતો રસ્તાથી માંડી એસ.ટી.બસો, પાણી, આરોગ્ય કે વિજળી સહીતની પ્રાથમિક સવલતોના અભાવ બાબતે ‘રખેવાળ’ એ હંમેશા અવાજ ઉઠાવ્યો છે. વહીવટમાં અધિકારીઓનું આધિપત્ય, નેતૃત્વની પીછેહઠ, ગુનાખોરી, કોમી એકતા અને રાષ્ટ્ર એકતા જેવી બાબતોમાં પણ ‘રખેવાળ' દૈનિકે વિશાળ લોકહિતનો પક્ષ લીધો છે. પંથકના પડતર પ્રશ્નોને વારંવાર વાચા આપવા સાથે કાયદો અને વ્યવસ્થાને સતેજ રાખવા તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતને થતા અન્યાય સામે અભિયાન છેડ્‌યું છે. સરકારના ઓરમાયા વલણ સહીત રેલ્વે તંત્રની આડોડાઈ હોય કે ડીસાના એરપોર્ટના વિકાસ અથવા ઓવરબ્રીજના પ્રશ્ને "રખેવાળ’ દૈનિક હંમેશા પ્રજાની પડખે રહી પ્રશ્નના નિરાકરણનું નિમિત બન્યું છે. સામાજિક દાયિત્ય  નિભાવવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી. ‘રખેવાળ’ના આ હકારાત્મક અને રચનાત્મક અભિગમને ટીકાકારો પણ બિરદાવે છે. સમયના બદલાતા પ્રવાહો વચ્ચે પણ ‘રખેવાળ’ એ મૂળઉદ્દેશ્યો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને તટસ્થ રહ્યું છે. તેનો અમને સવિશેષ આનંદ છે.
લગભગ ચાર દાયકા જેટલી ગૌરવવંતી અખબારી સફરથી આજે ‘રખેવાળ’ બનાસકાંઠા જિલ્લાની આગવી ‘ધરોહર’ (બ્રાન્ડ) જેવી લોકપ્રિયતા ધરાવે છે. તેના મૂળમાં તંત્રી શ્રી અમૃતલાલ શેઠની  દૂરંદેશીતા અને કાર્યશૈલીનો સિંહફાળો છે. તેઓ ભણ્યા ભલે ઓછું  હતા પણ આપબળે, આત્મસૂઝથી તથા  પ્રભાવશાળી વ્ય ક્તિતત્વના  લીધે ‘રખેવાળ’ને પ્રગતિની સાચી દિશા આપી શક્યા છે. જેથી ‘રખેવાળ’ અનેક પત્રકારો  માટે પાયાનું પગથિયું પુરવાર થયું છે ત્યારે આપ સૌના સાથ અને સહકારથી ‘રખેવાળ’ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે જેથી આજના ૩૬માં સ્થાપના દિને ‘રખેવાળ’ની પ્રગતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપનાર સૌનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં પણ સહયોગની કામના વ્યક્ત કરીએ છીએ અને સામાજીક દાયિત્વ નિભાવવા સાથે અખબારી મૂલ્યો અને સિધ્ધાંતોને જાળવણી અને જતનની ખાત્રી આપીએ છીએ. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.