
હોડી પલટતા એક જ ગામના સાતનાં મોત, એક સાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું
ઘૂળેટીના દિવસે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતા કોંકણી પરિવારના 13 જેટલા સભ્યો તાપી નદીના ઉકાઈ જળાશયમાં ડૂબ્યા હતા. જેમાં 6નો બચાવ થયો હતો. જ્યારે 7ની શોધખોળ દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા હતા. આ પરિવાર ઉચ્છલ તાલુકાના ભીડખુદ ગામે વણઝારી ફોગારો વિસ્તારમાં હોડીમાં બેસીને પિકનીક કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ ભારે પવનને કારણે હોડી પલટી જતા બે નાની બાળકી તથા એક બાળક સહિત ડૂબી ગરક થયા હતા. એક જ ગામના કોંકણી પરિવારના સાતના મોતના પગલે એક સાથએ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આખું ગામ હિબકે ચડ્યું હતું.ધૂળેટીના પર્વે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતું કોંકણી પરિવાર તાપી નદીના ઉકાઈ જળાશય ખાતે ફરવા નીકળ્યું હતું. દરમિયાન આ પરિવારના 13 જેટલા સભ્યો ઉકાઈ જળાશયમાં ઉચ્છલ તાલુકાના ભીડખુદ ગામે વણઝારી ફોગારો વિસ્તારમાં હોડીમાં બેસીને પિકનીક કરવા ગયા હતા. ત્યાંથી બપોર બાદ સાંજના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભારે પવનને કારણે તેમની હોડી પલટી ગઈ હતી. ઉકાઈ જળાશયમાં હોળી પલટી જતા બે નાની બાળકીઓ તથા એક બાળક સહિત પરિવારના 7 સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા. સુરત ફાયર, સોનગઢ-વ્યારા ફાયરના સંયુક્ત ઓપરેશનમાં સાતેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામના પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યા હતા.પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જેથી ગત રોજ મોડી સાંજે તમામ સાતેય મૃતકોની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં સુંદરપુર આખું ગામ જોડાયું હતું. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી અંતિમયાત્રામાં જોડાયેલા તમામની આંખો ભીની થઈ ગઈ હતી.