
સ્કૂલ પિકનિક બસનો વધુ એક અકસ્માત, સાપુતારા જતી બસ પલટી, ૨૩ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
ગુજરાતમાં વધુ એકવાર પિકનિક પર જતી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોને લઈ જતી લક્ઝરી બસ નવસારીના ચીખલી નજીક પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર ૨૩ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે સ્કૂલ સંચાલકો દ્વારા સાપુતારાનો પ્રવાસ ગોઠવાયો હતો. જે માટે આજે વહેલી સવારે લકઝરી બસમાં ૫૭ બાળકો સાથેનો પ્રવાસ શરૂ થયો હતો. પણ જેવી ફૂલ સ્પીડમાં જતી બસ ચીખલી પાસે પહોંચી ત્યાં બસ પલટી મારી ગઈ હતી. અને રોડ બાજુએ ઉતરી જતાં એકદમ ધડાકા જેવો અવાજ આવ્યો હતો. જેને કારણે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.
બસ પલટી જવાને કારણે બાળકોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. જેને કારણે તાત્કાલિક સ્થાનિકોએ ભેગાં થઈ બાળકોને બહાર કાઢ્યા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લક્ઝરી બસમાં ૫૭ બાળકો હતા જેમાં ૨૩ને ગંભીર ઈજા થઇ હતી. જેમાં ૩-૪ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.