
સુરત: માંડવીમાં ઈકો ટુરિઝમ પાર્કમાં બ્રિજ તૂટી પડતા ૨૫થી વધુ ઈજાગ્રસ્ત થયા
માંડવી : તાલુકાના જેતપુર-કેવડી ગામ ખાતે આવેલા આવેલી ઈકો ટુરિઝમ પાર્કમાં તળાવ પરનો લોખંડનો બ્રિજ તૂટી પડતા ૨૫થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના સુરતના હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ અને સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
રજાને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ હતા. માંડવી તાલુકાના જેતપુર-કેવડી ગામ ખાતે ઈકો ટુરિઝમ પાર્ક આવેલો છે. રજાના દિવસોમાં સુરત અને જિલ્લાના લોકો ફરવા માટે જતા હોય છે. હાલ હોલીની રજાઓના લઈને આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઈકો પાર્કમાં ઉમટી પડ્યા હતા. ઈકો પાર્કમાં જંગલની વચ્ચે નદીને પાર કરવા માટે એક ૨૫થી ૩૦ ફૂટ ઉંચો લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે આજે તૂટી પડ્યો હતો. જેથી ૨૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ માંડવી બાદ બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૪ જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.