
સુરત / ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ સ્કૂલની પ્રિલિમરી પરીક્ષામાં પેપર સારું ન જતાં ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ગુજરાતીનું પેપર સારું ન જતા તણાવમાં આવી ગઈ હતી
ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો
સુરતઃ અડાજણમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.
સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી
અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.૧૫) એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર મેનેજર છે. હિર સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. હાલ હિરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. ૨૯મીએ ગુજરાતીનું પેપર આવીને ઘરે આવ્યા બાદ માનસિક તણાવમાં હતી. હિરે જણાવ્યું હતું કે, પેપર સારું નથી ગયું. ત્યારબાદ ૩૦મીએ ગણિતનું પેપર સારું ગયું હતું અને આજના પેપરની તૈયારી કરતી હતી.
માતા ઘરવખરી લેવા ગઈ ને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો
ગત રોજ સાંજે હિર ગણિતનું પેપર આપી ઘરે પરત ફરી હતી. ગણિતનું પેપર પણ સારું ગયું હતું. જોકે, ગુજરાતીનું પેપર સારું ન ગયું હોવાથી માનસિક તણાવમાં હતી. દરમિયાન હિરની માતા ઘરવખરી લેવા માટે ઘરની બહાર નીકળતા જ હિરે ઘરના હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. હાલ વિદ્યાર્થિનીનું પોસ્મોર્ટમ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીનો પહેલો આપઘાતનો કેસ સામે આવ્યો છે.
આભાર – નિહારીકા રવિયા