
સુરત:સચિન GIDCમાં યુવકને માથામાં બોથડ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો
સુરતઃ સચિન GIDC વિસ્તારના એક મકાનમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની મધરાત્રે મળી આવેલો મૃતદેહ પોલીસ તપાસમાં સંજય તિવારી નામનો હોવાનું બહાર આવ્યું હતું. સંજયના માથે ઉપરા ઉપરી બોથડ હથિયાર મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળતા પોલીસ મૃતદેહ સિવિલ લઈ આવી આગળની તપાસ કરી રહી છે.
અમન તિવારી(મૃતકનો પુત્ર) એ જણાવ્યું હતું કે, સંજય ચંદ્રભૂષણ તિવારી (ઉ.વ. ૪૨ રહે આગમ નવકાર રેસિડેન્સી નજીકની ચાલ માં સચિન GIDC ) તેમના પિતા હતા. પિતા સંજયભાઈના માથા પર ઇજાના નિશાન જોઈ તેઓ ચોંકી ગયા હતા. ઘર નજીક જીવણ કાકાની ચાલના એક પતરાના મકાનમાં કેટલાક અજાણ્યા ઈસમોએ સંજયના માથા પર બોથડ હથિયાર વડે ઉપરા ઉપરી ઘા મારી હત્યા કર્યા બાદ ભાગી ગયા હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરાઈ હતી. ઘરમાં લોહીના ખાબોચીયામાંથી પિતાનો મૃતદેહ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયો હતો. જોકે, ઘટના બાદ સચિન GIDCના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સંજયની હત્યા લગભગ ૧૦ વાગ્યા સુધીમાં કરાઈ હોય એવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જોકે, હત્યા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ યુપીનો સંજય દારૂ પીવાની કૂટવેના કારણે પરિવારથી અલગ રહેતો હતો. છેલ્લા પાંચ મહિનાથી આગમ નવકાર રેસિડેન્સી નજીકની ચાલમાં રહેતો હતો. પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. પત્ની શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે.