
સુરતમાં સૂર્યા મરાઠી હત્યા કેસના બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, ૪ આરોપીની શોધખોળ
સુરતઃ સૂર્યા મરાઠી હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી રાહુલ અને સતિષ પોલીસ સમક્ષ હાજર થતાં સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં સરકારી વકીલ પ્રવીણ પટેલે ૧૧ મુદ્દાના સહારે ૧૪ દિવસનાં રિમાન્ડની માગણી હતી. દલીલો બાદ કોર્ટે બંને આરોપીઓના પાંચ દિવસનાં રિમાન્ડ આપ્યાં હતાં. પકડાયેલા આરોપીઓ નાસતા ફરતા ૪ આરોપીઓની શોધખોળ કરવા જરૂર હોવાનો રિમાન્ડમાં ઉલ્લેખ કરાયો છે.
વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર( ૩૬ વર્ષ) પરિવાર સાથે રહતો હતો. ૨૦૧૬થી મનુ ડાયાની હત્યાના ગુનામાં સૂર્યા મરાઠી જેલમાં હતો. આ દરમિયાન સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલે સૂર્યા ગેંગની કમાન સંભાળી હતી. પાંચેક દિવસ પહેલા પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો. ગત બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે ૧.૨૨ મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે ૨૮, પાછળના ભાગે ૨૨ એમ કુલ ૫૦ ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભોવન નગરથી એકાદ કિલોમીટર દૂર કોઝ વે તરફ રિધ્ધી-સિધ્ધી સોસાયટીથી આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડીને નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યુ હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
સૂર્યા મરાઠી હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી રાહુલ અને સતિષ પોલીસ સમક્ષ હાજર થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસના રિમાન્ડના મુદ્દામાં પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે હત્યારાઓને પડદા પાછળ રહીને કોઈ મદદ કરી રહ્યું હોવાની દિશામાં પણ તપાસ કરવાની છે. પકડાયેલા આરોપીઓ નાસતા ફરતા આરોપીઓ સાહિલ સિંધી, વિક્કી, શૈલેશ પટેલ અને કુલદીપને સારી રીતે ઓળખે છે. જેમની તપાસ કરવા આરોપીઓની જરૂર છે. પકડાયેલા આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરામાં સામેલ હતા કે કેમ તેની તપાસ કરવાની છે જેવા મુદ્દા જણાવ્યા હતા.