સુરતમાં પુણામાં સાડી રોલ પોલીશની ફેક્ટરીમાં આગ લાગી, અંદરથી લોક મારી સૂતેલા બે યુવકોના મોત
સુરતઃ
સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલીશની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ફેક્ટરીમાં અંદરથી લોક મારી સૂતેલા બે યુવકોના મોત નિપજ્યાં છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલીશની ફેક્ટરી રામદેવ ડેકોમાં આગ ફાટી નીકળી હતી. જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સૂતા હતા. રોલ પોલીશના મશીનમાં મોડી રાત્રે ૩.૫૨ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નીપજ્યાં છે. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મનોજ શુક્લા (સબ ફાયર ઓફિસર, ડુંભાલ ફાયર સ્ટેશન, સુરત)એ જણાવ્યું હતું કે, રાત્રે આગનો કોલ મળ્યો હતો. તાત્કાલિક ફાયરની ટીમ લઈને દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અંદર બે યુવાનો છે. જેથી અંદર જઈને તપાસ કરતા બંને યુવકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ જાણ થઈ હતી કે, બંનેના મોત થયા છે.