
સુરતમાં પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ.
સુરતઃ સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે.
સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ(૨૨) (રહે, ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ) ૩ મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં ૪૦થી ૫૦ કામદારો કામ કરી રહ્યા હતા. જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા છે. જને પગલે ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી છે.
વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના માલિક કૌશલભાઇ અને બંસીભાઇ છે અને ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિટલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતુ હતું. અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા.
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટેટોળે નીકળ્યા નીકળી રહ્યા છે. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા છે.