સુરતમાં જૈનશાસનના ઇતિહાસમાં ૫૨૮ વર્ષ બાદ ૭૭ મુમુક્ષુઓએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા

ગુજરાત
ગુજરાત

સુરતઃજૈન શાસનમાં દીક્ષાનગરીનું બિરૂદ પામેલા સુરતમાં આજે વેસુમાં ૭૭ અને પાલમાં ૧૯ મુમુક્ષુઓએ સામૂહિક રીતે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાર્થીઓ અમર રહોના નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતાં રત્નત્રયી સમર્પણ મંડપમાં જયજયકારા લાગ્યા હતાં. ૧૬ હજાર ફૂટના વિશાળકાય લાકડામાંથી બનેલા જિનાલયમાં દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. આ સમયે ૪૦ હજાર જેટલા લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી.
 
જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. ૧૫૪૮માં એટલે કે આજથી ૫૨૮ વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે ૫૦૦ દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં ૨૦, ૨૭, ૩૬ અને ૪૪ દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે ૭૭ દીક્ષા આજે સુરતમાં પ્રથમવાર યોજાઈ હોવાનું આચાર્યભગવંતોએ કહ્યું હતું.
 
પાલમાં ‘ઓમકાર નગરી’, પ્લોટ નં.-૧૦૭-૧૦૮માં ‘રોમે રોમે પરમ સ્પર્ષ વાટિકા’ના નામથી આયોજિત સમૂહ દીક્ષા મહોત્સવમાં કુલ ૧૯ મુમુક્ષુઓ સંસાર ત્યજી સંયમ અને ક્લ્યાણનો મોક્ષદાયી માર્ગ અપનાવ્યો હતો. આ મહોત્સવમાં કુલ ૧૯ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી હતી. જે પૈકી ૪ બાળ મુમુક્ષુઓ એક જ દાદા દાદીના પરિવારમાંથી દીક્ષા લીધી હતી. દીક્ષા માટે મંડપ ૮૦,૦૦૦ ચોરસ ફૂટ, ૩ દિવસ દરમિયાન ૭૦,૦૦૦થી વધુ મહેમાનો, જૈન સંપ્રદાયના ૧૮ ગચ્છના ભગવંતો, ૧૦૦૦થી વધુ સાધુ-સાધ્વીઓની ખાસ ઉપસ્થિતી રહ્યા હતાં. મુમુક્ષુઓમાં ૩ મુંબઈના અને ૧૬ સુરતનો સમાવેશ થયો હતો.
 
વેસુના બલર હાઉસના દોઢ લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો.મહોત્સવમાં ૧૪ હજાર લોકો દીક્ષાર્થી પરિવારના અને ૧૦ હજાર જેટલા મહેમાનો સુરત બહારથી પધાર્યાં હતાં. મહોત્સવને સફળ બનાવવા ૧૫ કમિટીના ૪૦૦થી વધારે કાર્યકર્તાઓ વ્યવસ્થાના કામે લાગી ગયા હતા. ૭૫૦થી વધારે સાધુ-સાધ્વીઓને ઉતરવા માટે વિશાળ ડોમમાં ૫૦થી વધારે રૂમો બનાવાયા હતાં. આ મહોત્સવને માણવા આવનાર મહેમાનો માટે ૨ વિશાળ ડોમમાં આરામ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
 
૭૭ દીક્ષાર્થીઓમાં સુરત સહિત, મુંબઇ, અમદાવાદ, પુના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરે શહેરો-ગામના દીક્ષાર્થીઓ હતા. ૧૦ વર્ષથી ૮૪ વર્ષના મુમુક્ષુઓ દીક્ષામાર્ગે ગયા છે.જેમાં ૨૦ જેટલા બાળમુમુક્ષુઓ છે. ૩૪ જેટલા ૨૦થી ૪૦ વર્ષના છે. જેમાં ૬ પરિવારો ઘરને તાળું મારીને દીક્ષા માર્ગે પ્રયાણ કર્યો છે.
 
૭૭ મુમુક્ષુઓ પૈકી ૬ મુમુક્ષુઓ એવા હતા કે જેમણે માસ્ટર ડીગ્રી કર્યું હતુ. તેમ છતાં તેમણે દીક્ષા લઈ સન્યાસ લીધો છે. આ ૬ મુમુક્ષુઓ પૈકી કેટલાક મુમુક્ષુઓ સી.એ, સી.એસ, એન્જીનિયર, સીએફએ, બીટેક, એમકોમની ડિગ્રી ધરાવે છે. આ ઉપરાંત ગ્રેજ્યુએશન પુરું કરનારા ૧૧ મુમુક્ષુઓ અને અન્ડર ગ્રેજ્યુએટ ધરાવતા કુલ ૫ દીક્ષાર્થીઓ હતા.
 
૭૭ દીક્ષાર્થીઓ પૈકી ૮ દીક્ષાર્થીઓ એવા છે કે જેમણે બે વર્ષીતપ, સિદ્ધિતપ, માસક્ષમણ, આયંબિલ, ચોમાસી તપ જેવા જૈન સમાજમાં વિશિષ્ટ તપ ગણી શકાય તેવા તપ કર્યા હતા. જેમાં કેટલાક દીક્ષાર્થીઓએ નાની ઉંમરમાં જ આ વિશિષ્ટ તપ કર્યા હતા. ઘણા મુમુક્ષુઓએ ૯૯ યાત્રા, ૬૪ પ્રહરી પૌષધ, તથા વર્ધમાનતપના પાયા નાંખ્યા હતા.
 
રત્નત્રયી સમર્પણોત્સવમાં ૮ પરિવાર એવા છે કે જેઓએ પોતાના પરિવાર સાથે દીક્ષા લીધી છે. જેમાં રંભાબેન લક્ષ્મીચંદભાઈ શાહ પરિવાર, યોગેશભાઈ ગુણવંતલાલ શાહ પરિવાર, દાનાજી પ્રેમાજી ગુંડેશા પરિવાર, સહિત અન્ય પરિવાર દીક્ષા લીધી છે. આ ૮ પરિવારના કુલ ૨૭ લોકો સમગ્ર પરિવાર સાથે દીક્ષા લીધી છે.
 
૭૭ દીક્ષાર્થીઓના કાર્યક્રમમાં કુલ ૨૨ બાળ મુમુક્ષુઓ હતા. જેમની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. જેમાં ૧૦ વર્ષની નાની વયે યશરાજ જૈન અને ભવ્ય મહેતા નામના બાળ મુમુક્ષુઓ પણ દીક્ષા અંગીકાર કરી છે.આ ઉપરાંત ઘણા મુમુક્ષુઓ હાલ અભ્યાસ કરી રહ્યાં હતા. આ બાળ મુમુક્ષુઓ પૈકી ઘણા બાળકોના ડોકટર બનવાના પણ સપના હતાં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.