સુરતમાં ખાનગી બસે બે બાઇકને અડફેટે લેતાં ૨ના કરૂણ મોત
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાની ગામ નજીક ખાનગી બસનાં ચાલકે બે બાઇકને અડફેટે લેતા બે યુવાનોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત અન્ય ચાર જણ ઇજાગ્રસ્ત થયા છે. જેના કારણે સ્થાનિકોએ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ચક્કાજામ કર્યો છે. જે બાદ સ્થાનિક પોલીસની દરમિયાનગીરી બાદ ચક્કાજામ દૂર થયો હતો.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાની ગામ પાસે ખાનગી બસે બે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં એક આખી બાઇક ખાનગી બસનાં પહેલા ટાયરો નીચે આવી આવી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મોત જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ગોઝારા અકસ્માતમાં બે યુવાનોનાં મોત નીપજ્યાં છે.
મહત્વનું છે કે, આ બંન્ને યુવાનો મહુવા તાલુકાનાં હતાં. મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવાનો લાસણપોર અને તરકાનીનાં છે. બે બાઇક પર છ જણ સવાર હતા. ઘટના સ્થળે જ આ મૃતકોનાં મોત નીપજ્યાં હતાં. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગોઝારા અકસ્માતને કારણે સ્થાનિકોમાં ઘણો જ રોષ જોવા મળ્યો હતો. જેના કારણે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જોકે, મહુવા પોલીસની સમજાવટ બાદ ચક્કાજામ દૂર કરાયો છે. હાલ પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.