સુરતમાં કોન્સ્ટેબલે બહાદૂરીપૂર્વક તાપી નદીમાં કુદીને ડૂબી રહેલી માસી-ભાણેજને બચાવી લીધા
સુરતઃરાંદેર-કતારગામને જોડતાં કોઝ વે પર તાપી નદીમાં ડૂબી રહેલી માસી-ભાણેજને કોન્સ્ટેબલે બચાવી લીધી હતી. રાતપાળી કરીને પોલીસ ભવનથી ઘર તરફ જઈ રહેલા કોન્સ્ટેબલે પહેરેલી વર્દીમાં જ બહાદૂરીપૂર્વક તાપી નદીમાં કુદીને માસી ભાણેજને સહિ સલામત રીતે બચાવી લીધી હતી. જેથી કાંઠે ઉભેલા લોકોના ટોળાએ કોન્સ્ટેબલના કાર્યને બિરદાવ્યું હતું.
પોલીસ ભવન ખાતેના ટ્રાફિક વહિવટ અને પ્લાનિંગ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે સેવા આપતાં રામશીભાઈ રબારી સવારે નવેક વાગ્યાની આસપાસ રાતપાળીમાં ફરજ બજાવી પોતાના ઘર સિંગણપોર તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કોઝ વે પર લોકોનું ટોળું જામ્યું હતું. માસી ભાણેજને ડૂબતાં જોઈ રહેલા લોકોની વચ્ચેથી રામશીભાઈ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તાપી નદીમાં કુદી પડ્યાં હતા અને માસી ભાણેજને સહિ સલામત રીતે કાંઠે લઈ આવ્યાં હતાં.રીટા લક્ષ્મણ રાઠોડ (ઉ.વ.આ.૩૦) માસી અને ભાણેજ જયશ્રી મુન્ના રાઠોડ(ઉ.વ.આ.૧૦)ના તાપી નદીમાંથી ભંગાર વીણી રહ્યાં હતાં. પાણીની ખાલી બોટલ સહિતનો ભંગાર વિણતા વિણતા નદીમાં જામેલી લીલમાં પગ લપસી જતાં બન્ને ડૂબલા લાગી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રામશીભાઈ રબારીએ સૌ પ્રથમ કિશોરી જયશ્રીને કાંઠે લાવ્યા બાદ તેની માસીને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં.
સમય સૂચકતા વાપરીને માસી ભાણેજના જીવ બચાવનાર કોન્સ્ટેબલ રામશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાતપાળી કરીને નીકળ્યો એ દરમિયાન કોઝ વે પર લોકોનું ટોળું દેખાયું હતું. જેથી ત્યાં પહોંચીને જોયું તો માસી ભાણેજ ડૂબી રહ્યાં હતાં જેથી ફાયરબ્રિગેડ આવે અને તે અગાઉ જ થોડું મોડું થાય અને મોત થાય તેના કરતાં મને તરતાં આવડતું હોવાથી સીધો જ તાપીમાં જમ્પ લગાવીને બન્ને માસી ભાણેજને બચાવી લેવામાં સફળતા મળી હતી.
શહેરના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે બહાદૂરીનુંકામ કરનાર રામશીભાઈ રબારીને સન્માનપત્ર આપવાની સાથે સાથે જીવનરક્ષા એવોર્ડ આપવા માટે રાજ્ય સરકારમાં ભલામણ કરવામાં આવશે.