સુરતના સોનગઢમાં બુટલેગર બેફામ : પોલીસકર્મી પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ
સુરત-તાપીઃ સોનગઢ તાલુકાના મૈયાલી ગામે બેફામ બનેલી દારૂના બુટલેગરે દારૂની તપાસ કરવા ગયેલા ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ પૈકીના એક પોલીસ જવાનને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ નોંધાયો હતો. સારવાર માટે સુરત ખસેડાયા વ્યારા ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા ત્રણ જેટલા પોલીસકર્મીઓ બાતમીના આધારે મુળજી ગામીત નામના બુટલેગરને ત્યાં ખાનગી કાર લઈ રેડ કરવા ગયા હતા. દરમિયાન પોલીસ રેડ પાડી દારૂ ક્યાં સંતાડયો છે એમ પૂછતાં બુટલેગર પોતાના હાથમાં એક કેરબો લઈ પોલીસ પાસે આવ્યો હતો. એણે અચાનક કેરબો ખોલી એમાં રહેલ પેટ્રોલ પોલીસકર્મી પર નાખી અને પોતાના પર પણ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. આ બનાવમાં ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા જમાદાર પ્રભાતસિંહ બારૈયા અને આરોપી બંને ભડભડ સળગી ઉઠયા હતા. શરીરે મોટાપ્રમાણમાં દાઝી જતાં એમને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે સુરત ખસેડાયા હતા. બનાવમાં સંડોવાયેલ આરોપી બુટલેગર મુળજી ગામીત પણ દાઝી જતાં એને પણ સારવાર અર્થે સુરત રવાના કરાયો હતો. આ હુમલા પછી બુટલેગર અને તેના માણસોએ પોલીસની ખાનગી કાર ને પણ સળગાવી દીધી હતી.પોલીસ પર હુમલો થયાંની જાણકારી જિલ્લા પોલીસ વડાને મળતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં ગામ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે