
સાવરકુંડલામાં BCAનીવિદ્યાર્થિનીને બે વિષયમાં ઝીરો માર્ક આવતા ઝેર પી જિંદગી ટૂંકાવી
રાજકોટઃ સાવરકુંડલાના ગાધડકા ગામે રહેતી અને અમરેલી કોલેજમાં BCAનો અભ્યાસ કરતી નીકીતા રાજેશભાઇ રાઠોડે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. બે વિષયમાં ઝીરો માર્ક આવતા અને પેપર ખોલાવવા છતાં આ જ રિઝલ્ટ રહેતાં આઘાતને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. નીકીતાએ રાત્રે ઝેરી દવા પી લેતાં સાવરકુંડલા, અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. પરંતુ અહીં તેનું મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર નિકીતા બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા સલૂનની દુકાન ધરાવે છે. પરિવારજનોના કહેવા મુજબ નીકીતા અમરેલીની કોલેજમાં BCAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી હતી. થોડા દિવસ પહેલા જાહેર થયેલા પરીક્ષાના રિઝલ્ટમાં તેને બે વિષયમાં ઝીરો-ઝીરો માર્ક આવ્યા હોય તે આઘાતમાં સરી પડી હતી. પેપરો ખોલાવ્યા હતાં છતાં પરિણામ એ જ રહ્યું હતું. આ કારણે તે સતત ચિંતામાં હતી અને તેને લીધે આ પગલું ભરી લીધાની શક્યતા છે.