વિસનગરમાં ૧૦ લાખ આપશો તો છુટુ કરીશું વેવાણના ત્રાસથી વેવાઇએ દવા પી આપઘાત કર્યો
વિસનગરમાં ખેતી અને કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. મૃતકની સ્કૂટરની ડેકીમાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં પુત્રવધુની માતા, મામા અને માસીએ ત્રાસ આપતા ઝેરી દવા પી આત્મહત્યા કરવા મજબૂર બનવું પડ્યું હોવાની માહિતી જાણવા મળી હતી. મૃતકની પત્નીએ પોલીસને સ્યુસાઈડ નોટ આપતા પોલીસે ત્રણ વિરુદ્ધ આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલનો ગુનો દાખલ કરતા ભારે ચકચાર જાગી છે.
વિસનગરમાં કડા રોડ ઉપર આવેલ કરશનનગર સોસાયટીમાં રહેતા ડાહ્યાભાઈ જોઈતારામ પટેલના પુત્ર ચેતક પટેલના લગ્ન પીંડારીયા રોડ ઉપર આશાપુરી સોસાયટીમાં રહેતા જગદીશકુમાર પટેલની દિકરી પૂજા સાથે થયા હતા. જેમણે સંતાનમાં એક દિકરી ચેલ્સી હતી. એક વર્ષ અગાઉ રમીલાબેન પટેલની પુત્રવધુ પૂજા પિયર બાધા કરવાનું જણાવી ગઈ હતી. ત્યારબાદ પરત સાસરે આવી નહોતી.
આ દરમિયાન રમીલાબેન પટેલના પતિ અને પૂજા પટેલના સસરા ડાહ્યાભાઈ જોઈતારામ પટેલે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. જેમાં પોલીસ નિવેદનમાં અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. મરણ પ્રસંગ બાદ મૃતકની એક્ટીવાની ડેકીમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખેલી વિગત ચોંકાવનારી હતી. દિકરા ચેતકની વહુ પૂજા પિયરમાં જતા લગ્નમાં લાવેલ વસ્તુઓ લઈ જતી હતી. તેને કહેવા જતા બોલાચાલી થઈ હતી. જેને લેવા જતા પૂજાના માસી ચંદ્રીકાબેન પટેલ, મામા વિપુલકુમાર પટેલ અને મમ્મી જ્યોત્સનાબેન પટેલ ત્રણેય પૂજાને ચઢામણી કરી આવવા દેતા ન હોતા. જેઓ ત્રણેય પૂજાના છુટાછેડા લેવાની વાત કરતા હતા.
સમાજની રીતે છૂટાછેડા આપવા માટે રૂ.૧,૨૫,૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ફરી ગયા હતા અને રૂ.૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) આપશો તો છુટુ કરીશું. આત્મહત્યાના એક અઠવાડીયા અગાઉ ડાહ્યાભાઈ પટેલ પીંડારીયા રોડ ઉપર કોન્ટ્રાક્ટનું કામ ચાલતુ હોઈ ત્યાં હાજર હતા તે સમયે પુત્રવધુની માસી, મામા અને મમ્મી ત્રણેય આવી ધમકી આપી હતી કે ૧૦ લાખ આપી દિકરાનું છુટું લઈ જાઓ. છુટુ નહી આપો તો સમાજમાં બદનામ કરી દઈશું. તમને જીવવું ભારે પડશે.
વેવાણ અને પુત્રવધુની માસી અને મામાના ત્રાસથી કંટાળી ડાહ્યાભાઈ જોઈતારામ પટેલે આત્મહત્યા કરી હોવાની સ્યુસાઈડ નોટ મળતા મૃતકની પત્ની રમીલાબેન પટેલની ફરિયાદ આધારે પોલીસે પુત્રવધુના મામા પટેલ વિપુલકુમાર બાબુલાલ ઉર્ફે કાકલી રહે.દિપરા દરવાજા મેલણીયાવાસ, માસી પટેલ ચંદ્રીકાબેન નિતીનકુમાર રહે.વિકાસનગર સોસાયટી તથા મમ્મી પટેલ જ્યોત્સનાબેન જગદીશકુમાર રહે.આશાપુરી સોસાયટી પીંડારીયા રોડ વિસનગરવાળા વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મબૂર કરવા બદલનો ગુનો દાખલ કર્યો છે.