વાપીના બિલ્ડરે સોમનાથના ભૂદેવના હસ્તે ભૂમિપૂજન વિધિ કરાવવા પોતાનું ચાર્ટડ હેલિકોપ્ટર મોકલ્યું
વેરાવળઃ વાપીના બિલ્ડર પિયુષભાઇ મહેતાએ સોમનાથના ભૂદેવ નાનુભાઇના હસ્તે ભૂમિપૂજન કરાવવા માટે પોતાનું ચાર્ટડ હેલિકોપ્ટર સોમનાથ વેરાવળ મોકલ્યું હતું. સોમનાથના રામવાડી પાસે રહેતા નાનુભાઇ કર્મકાંડી ભૂદેવ અને જ્યોતિષ પણ છે. નાનુભાઇએ ૧૨ વર્ષ પહેલા પિયુષભાઇ ઉનામાં રહેતા હતા ત્યારે કહ્યું હતું કે,વાપીની ભૂમિ તને ફળશે અને તે વાત સાચી પડી.પિયૂષભાઈએ નાનુભાઈની આ ભવિષ્યવાણી આજ સુધી યાદ રાખી છે. આજે પીયૂષણભાઈ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે તેના ભૂમિપૂજન માટે નાનુભાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ પીયૂષભાઈનું આમંત્રણ આવ્યું ત્યારે નાનુભાઈનાં ઘરે પણ પ્રસંગ હતો. નાનુભાઈનાં ઘરે ૨૭ તારીખથી ત્રણ દિવસનો પ્રસંગ હતો અને પિયુષભાઈને ત્યાં વાપીમાં ૨૬ તારીખે ભૂમિપૂજન હતું. જેથી યજમાન પિયુષભાઈએ ખાસ નાનુભાઈને લેવા માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર મોકલ્યું હતું. સોમનાથથી દિવ આવવા કારની વ્યવસ્થા કરી આપી અને દિવથી દમણ સુધી ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા નાનુભાઈને લઈ જવામાં આવ્યા હતા. દમણથી વાપી સુધી પણ કાર દ્વારા નાનુભાઈ બિલ્ડરની જગ્યા પર પહોંચી ભૂમિપૂજન માટેની વિધિ કરી હતી. બે કલાક ગણપતિ અને વરાહ સ્થાપન કરી વિધિ કરી હતી. વિધિ બાદ નાનુભાઈ ફરી પોતાનાં ઘરના પ્રસંગોમાં સામેલ થવા સોમનાથ પહોંચ્યા હતા.