
વડોદરા / લકવાની બીમારી દૂર કરવાના નામે યુવતી પાસેથી ૨ લાખની છેતરપિંડી કરનાર બોગસ તબીબની ધરપકડ, ૩ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ
વડોદરામાં લકવાગ્રસ્તોને સારવારના નામે ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ
પિતા-પુત્ર મળીને બીમારીથી ત્રસ્ત લોકોને શિકાર બનાવતા હતા
લકવાની બિમારી દૂર કરવાના નામે યુવતી પાસેથી રૂપિયા ૨ લાખની છેતરપિંડી કરનાર બોગસ તબીબ ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. બોગસ તબીબે ગોત્રી વિસ્તારમાં રહેતા વિજય પુરોહિત પાસેથી ૫૦ હજાર અને વારસીયા વિસ્તારમાં રહેતા બ્રિજમોહન પાસેથી સારવારના નામે ૩૫ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. બોગસ તબીબે લકવાગ્રસ્ત યુવતીના પગમાંથી ખરાબ લોહી કાઢવાના એક ટીપાના રૂપિયા ૩૦૦૦ પ્રમાણે ૭૯ ટીપા કાઢીને ૨.૩૭ લાખનું બીલ દર્દીના પરિવારને આપ્યું હતું. જૈ પૈકી પરિવારે ૮૫ હજાર રોકડા અને ૧.૧૫ હજારનો ચેક બોગસ તબીબને આપ્યો હતો.
યુવતી બાળપણમાં લકવાનો ભોગ બની હતી
વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં વકીલ પ્રશાંતભાઇ ઉમાકાંત ટેલર પરિવાર સાથે રહે છે. તેમના કાકાની ૨૫ વર્ષની દીકરી માનસી(નામ બદલ્યું છે) બાળપણમાં લકવાનો ભોગ બની હતી. ઓક્ટોબર-૧૯માં માનસી સયાજી હોસ્પિટલ પાસે આવેલી બેંકમાં કામ માટે ગઇ હતી. તે સમયે તેને રાજુ નામનો વ્યક્તિ મળ્યો હતો. અને લકવાની બીમારી દૂર કરી આપવાની વાત કરી હતી. કોઇ પણ વ્યક્તિ લકવાની બીમારી દૂર થાય તેમ ઇચ્છતી હોય છે. માનસી પણ પોતાની બીમારી દૂર થાય તે માટે ઠગ રાજુના વિશ્વાસમાં આવી ગઇ હતી. વિશ્વાસમાં આવી ગયેલી માનસીને ઠગ રાજુએ લકવાની બીમારી દૂર કરતા પિતા ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખનો મોબાઇલ નંબર આપ્યો હતો. જે નંબર ઉપર સંપર્ક કરતા બોગસ તબીબ ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખ વડોદરા આવ્યા બાદ સંપર્ક કરીશ. અને તમારી લકવાની બિમારી દૂર કરી દઇશ. ચિંતા કરશો નહીં. તેમ જણાવી ફોન કરી દીધો હતો.
એક ટીપુ ખરાબ લોહી કાઢવાના ૩ હજાર નક્કી કર્યાં હતા
દરમિયાન બોગસ ડોકટર ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખ દિવાળીના સમયમાં લકવાગ્રસ્ત માનસીના ઘરે પહોંચી ગયો હતો. અને લકવાની બીમારીની સારવારનું નાટક શરૂ કર્યું હતું. લકવાગ્રસ્ત યુવતીના ડાબા પગમાં પિત્તળની પાઇપથી ખરાબ લોહી કાઢવું પડશે. અને એક ટીપું ખરાબ લોહી કાઢવાના રૂપિયા ૩૦૦૦ પરિવાર સાથે નક્કી કર્યાં હતા. બોગસ ડોક્ટરે ૭૯ ટીપા કાઢીને રૂપિયા ૨.૩૭ લાખ થયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. પરિવારે બીલમાં ઘટાડો કરવાનું જણાવતા ભેજાબાજે રૂપિયા ૩૭ હજાર ઓછા કરી આપ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ બોગસ ડોક્ટર ફરાર થઇ જતા યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને રાવપુરા પોલીસે આરોપી બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.
પોલીસે ડોક્ટર પાસેથી ૨.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બોગસ ડોક્ટર ઇનામુદ્દીન હફીઝ મહોમ્મદ શેખ(૩૯) (રહે, કામરેજ ચોકડી, સુરત, મૂળ રહે, સાંઘોઘ, કોટા, રાજસ્થાન) પાસેથી ૯૨,૫૦૦ રોકડા, કાર, મોબાઇલ, દવા અને સારવારના સાધનો મળીને ૨.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.