
વડોદરા / ઓનલાઇન ઠગાઇથી બચવા ગ્રાહકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડને જાતે જ કન્ટ્રોલ કરી શકે છે, બેંકો પાવર પોતાની પાસે ન રાખે
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના કિસ્સાઓ વધવાના કારણે આરબીઆઇએ તાજેતરમાં નોટિફીકેશન બહાર પાડી ગાઇડ લાઇનનું સંપુર્ણપણે પાલન કરવા જણાવ્યું છે. ગ્રાહકો પોતાના ડેબીટ કે ક્રેડીટ કાર્ડને જાતે જ કન્ટ્રોલ કરી શકે તેવી સુવિધા હવે દરેક બેંક પોતાની મોબાઇલ એપ્લીકેશનમાં આપી રહી છે તેનો ઉપયોગ કરવો જોઇએ. કોઇ પણ બેંકમાં ખાતુ હોય અને ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડ કાર્ડ ધરાવતા હોવ પણ તેને બંધ રાખવું કે ચાલું રાખવું તે ગ્રાહક જાતે જ નક્કી કરી શકે છે. કાર્ડથી થઇ રહેલા ટ્રાંજેકશનમાં ઠગાઇના કિસ્સા બહાર આવતા આરબીઆઇએ કેટલાક દિશા નિર્દેશ બેંકોને મોકલ્યા છે જેમાં કાર્ડ અને તેના દ્વારા કરવામાં આવતા ટ્રાંજેકશનને ગ્રાહકો પોતાની જાતે જ કન્ટ્રોલ કરી શકે અને બેંકો તેનો પાવર પોતાની પાસે ના રાખે તેમ જણાવાયું છે.
ગ્રાહકો સુવિધાથી વાકેફ નથી
ગાઇડ લાઇન મુજબ ભારતમાં ઉપયોગમાં લેવાતા વિકલ્પને ચાલું રાખવું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપયોગ કરવો તે ગ્રાહક જાતે નક્કી કરી શકે છે. આ ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ સહિતની સુવિધા અને ક્રેડીટ કે ડેબીટ કાર્ડની લિમીટ પણ જાતે જ નક્કી કરી શકે છે. ગ્રાહકને જયારે પણ તેના કાર્ડનો દુરપયોગ થયો હોવાની શંકા લાગે ત્યારે તે જાતે જ પોતાનું કાર્ડ બંધ કરી શકે છે. જો કોઇ ગ્રાહક કાર્ડનો ઉપયોગ ઓનલાઇન શોપીંગ માટે ના કરતો હોય તોતે ઓનલાઇ્ન ઉપયોગનો વિકલ્પ બંધ પણ કરી શકે છે. કોન્ટેકટ લેસ પેમેન્ટની સુવિધા પણ તે જયારે ઇચ્છે ત્યારે બંધ કરી શકે છે. જો કે મોટા ભાગની બેંકો ગ્રાહકોને અગાઉથી જ તેમની મોબાઇલ એપ્લીકેશનમાં આ સુવિધા આપી રહી છે પણ ગ્રાહકો આ સુવિધા વિશે પુરતી માહિતી ધરાવતા નથી.
મોબાઇલ એપથી કંટ્રોલ કરી શકાય
મોટાભાગની બેંકો પોતાની મોબાઇલ એપ્લિકેશનમાં ગ્રાહકોને આ સુવિધા આપે છે જેમાં તેઓ જાતે પોતાનુ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કંટ્રોલ કરી શકે. એપ્લિકેશનમાં સર્વિસ ઓપ્શન અને ત્યારબાદ મેનેજ ઓપ્શનમાં જઇ કાર્ડ કંટ્રોલ કરી શકાય છે. તેમાં ટ્રાન્જેક્શન લિમિટ સેટ કરી શકાય છે. એપ્લિકેશનના ઓપ્શનમાં જઇ ઇન્ટરનેશલ અથવા ડોમેસ્ટિક યુઝ, એટીએમ, સીઓએસ, ઇ-કોમર્સ ટ્રાન્જેક્શનના વિકલ્પ ઓન અને ઓફ કરી શકાય છે. જ્યારે પણ એકાઉન્ટ કે કાર્ડમાં કોઇ પરિવર્તન થશે તો તુરંત જ એર્લ્ટ મેસેજ ગ્રાહકોને મળી જશે.