વડોદરામાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર દોષિતને સેશન્સ કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી
વડોદરાઃ ૫ વર્ષ પૂર્વે વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા બાદ દુષ્કર્મ આચરનાર આરોપીને રાહુલ ઉર્ફ દાદુ કંચનભાઇ પાટણવાડીયાને દોષિત ઠેરવીને વડોદરા સેસન્સ કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. અને રૂપિયા ૧૩ હજારનો દંડ ફટકાર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, ડભોઇ તાલુકાના વેગા નવીનગરીમાં રહેતો રાહુલ ઉર્ફ દાદુ કંચનભાઇ પાટણવાડીયા(ઠાકોર) તા.૩-૧૨-૦૧૫ના રોજ સ્કૂલમાં ગયેલી સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સાંજે સ્કૂલમાં દીકરીને લેવા ગયેલા પિતાને દીકરી મળી આવી ન હતી. દરમિયાન પિતાએ દીકરી સાથે સબંધ રાખનાર રાહુલ ઉર્ફ દાદુ ભગાડી ગયો હોવાની શંકા સેવી વડોદરા ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રાહલુ ઉર્ફ દાદુ પાટણવાડીયા (ઠાકોર) અને વિદ્યાર્થીનીને નેત્રમ ગામે રહેતા મિત્રના ઘરે લઇ ગયો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧૫ દિવસ બાદ બંને નેત્રમ ગામેથી પોલીસને મળી આવ્યા હતા. બાદમાં પોલીસે રાહુલની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ અત્રેની સેસન્સ કોર્ટના જજ કે.એમ. સોજીત્રાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ એચ.આર. જોષીની દલીલોને ધ્યાનમાં લઇ આરોપી રાહુલ ઉર્ફ દાદુ પાટણવાડીયાને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૩ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.