વડોદરામાં નવાયાર્ડ રોડ પર ૫૫ જેટલા મકાનોના દબાણો હટાવવાની કામગીરી શરૂ
વડોદરા
સંવેદનશિલ વિસ્તાર હોવાથી ૧૩૬ પોલીસ જવાનોનો ફાકલો ખડકાયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નવાયાર્ડ રોડ ઉપર રસ્તા રેષામાં આવતા કાચા-પાકા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંવેદનશિલ વિસ્તાર હોવાથી ૧૩૬ પોલીસ જવાનોના ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેરના મુખ્ય માર્ગો પહોળા કરવા માટે પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા કેટલાંક સમયથી નવાયાર્ડ રોડ ઉપરના દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી પ્રક્રિયાના અંતે આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનની આસપાસમાં રોડ ઉપરના દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી. જે નોટિસોની મુદત પૂરી થયા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નવાયાર્ડ રોડ ઉપર અનેક લોકોએ પાકા બે-ત્રણ મજલી મકાનો બાંધી દીધા હતા. જે બે મજલી મકાનોના દબાણ કરાયેલા ભાગને જે.સી.બી. દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો દ્વારા નોટિસ મળતા જ સ્વૈચ્છિક દબાણો દૂર કરી દીધા હતા. અને પોતાનો સામાન સલામત સ્થળે ખસેડી લીધો હતો. કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી. દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
દબાણ અધિકારી મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું કે, ઉત્તરઝોન વહીવટી વોર્ડ નંબર-૭માં શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલના રોડ લાઇનમાં આવતા ૫૫ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૨૦ બ્રેકર, જનરેટર, ડમ્પરો, જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરીને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેશે. જરૂર પડે ગુરૂવારે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે.