
વડોદરામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ૩ વર્ષની બાળકી સહિત ૩ લોકોના મોત, ૪ ઇજાગ્રસ્ત
વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં ૩ વર્ષની બાળકી સહિત ૩ લોકોના મોત થયા છે. જ્યારે ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
વડોદરા નજીક ઉમેટા ખાતે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઈ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગમાં રિક્ષા લઇને ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં ગયા હતા. જ્યાથી તેઓ પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સાઠોદ ગામ પાસે ડભોઇ તરફથી પૂર ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં સવાર સંજયભાઇ તેમના પત્ની હિમાબેન વસાવા, ૩ વર્ષની દીકરી કિંજલ વસાવા અને રોશની દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), સીતાબેન દિપકભાઈ મારવાડી, અને ગાયત્રીબેન મણીલાલ વસાવા (રહે, નવીનગરી ડભોઇ) અને લીલાબેન રાવળ રોડ ઉપર ફગોળાયા હતા. જ્યારે આ બનાવમાં ૩ વર્ષની કિંજલ સંજયભાઈ વસાવા, રોશની દિપકભાઈ મારવાડી(૧૧), અને લીલાબેન રાવળનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતને પગલે એક કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોચી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.