
વડોદરમાં સાવલીમાં મિકેનીકલ એન્જિનીય ના વિદ્યાર્થી હોસ્ટેલમાં ફાંસો ખાધો.
વડોદરા
વડોદરાઃસાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. શનિવારે બપોરના સમયે યુવાને તેના રૂમની બાજુના ખાલી રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ યુવાનની હત્યા ઉપર આશંકા વ્યક્ત કરી છે
દાહોદ જિલ્લાના ભંભોડી ગામમાં રહેતો રોનક રણજીતસિંહ વશી (ઉં.૧૭) ધોરણ-૧૦ પાસ કર્યા બાદ સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં ડિપ્લોમાં મિકેનીકલ એન્જિનીયરીંગમાં એડમિશન લીધું હતું. અને કોલેજના કેમ્પસ સ્થિત હોસ્ટેલના ૪૦૨ રૂમમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રથમ વર્ષ પૂરું કર્યા બાદ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલ રોનક વશીએ શનિવારે બપોરે ૨ થી ૫ના સમયગાળામાં પોતાના રૂમની બાજુમાં આવેલા ૪૦૧ નંબરના ખાલી રૂમમાં પ્લાસ્ટીકની દોરીથી પંખા ઉપર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.રોનકના રૂમ પાર્ટનરોને બનાવની જાણ થતાં કોલેજ સત્તાવાળાઓને જાણ કરી હતી. દરમિયાન પોલીસ અને રોનકના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. પરિવારજનોએ જ્યાં સુધી કોલેજમાં ન પહોંચીએ ત્યાં સુધી રૂમ બંધ રાખવા માટે પોલીસ અને કોલેજના સત્તાવાળાઓને સુચના આપવામાં આવી હતી. જેના કારણે મોડી રાત્રે પરિવારજનો કોલેજમાં આવ્યા બાદ પોલીસે રૂમ ખોલ્યો હતો. અને લાશનો કબજો લઇ સાવલી જમનોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
વશી પરિવારના દિલીપભાઇ બામણે આક્ષેપ કર્યો હતો કે, રોનક મારા પરિવારનો છોકરો છે. તેણે આપઘાત કર્યો નથી. પરંતુ તેની સાથે અજુગતું થયું છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા રોનકે આપઘાત કર્યો હોય તેમ જણાતું નથી. આથી આ બનાવની તટસ્થ તપાસ થવી જરૂરી છે. જોકે, સાવલી પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કોલેજ કેમ્પસમાં રોનક વશીએ પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, હજુ સુધી આ અંગે પોલીસ દ્વારા કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. કે.જે.આઇ.ટી. કોલેજમાં આપઘાતના બનેલા બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે. આ સાથે રોનકના સાથી મિત્રોમાં ગમગીની ફેલાઇ ગઇ છે.