લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશેઃ DGP શિવાનંદ ઝાની ચીમકી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર
કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે.
 
રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે “ઘરે રહો, સુરક્ષિત રહો”ના મંત્રને અનુસરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન રાજ્યના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા ન નીકળે, લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુવાનોની સામે જો ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. આવા યુવાનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે તેમ છે.
 
લોકડાઉન સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે મીડિયાને વિગતો આપતાં DGP ઝાએ કહ્યું હતું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. ડ્રોન અને સીસીટીવી દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો આઈ.પી.સી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ભડકાઉ વીડિયો કે પોસ્ટ મૂકનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
 
તેમણે ઉમેર્યું કે, નોવેલ કોરોના સંક્રમણથી સર્જાયેલી સ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા માટે અપીલ કરાઈ છે તે સંદર્ભે પણ ગજરાત આઈપીએસ ઓફિસર્સ એસોશિએશન તરફથી એક દિવસનો પગાર જમા કરાવવાનો નિર્ણય કરાયો છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૬૦૮ અને હોમ કવોરેન્ટાઈન ભંગના ૩૯૨ મળી કુલ ૧૦૦૦ ગુનાઓ આજ રોજ નોંધાયા છે. ૧૫૯૫ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૩૩૬૫ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ ૩૮૫૭ વ્યક્તિઓની અટકાયત સાથે કુલ ૩૩૬૫ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.