
રાધનપુરમાં જીગ્નેશ મેવાણીની સભામાં આઝાદીના નારા ગૂંજ્યાઃ મોદી-શાહની ઝાટકણી કાઢી
રાધનપુર
રાધનપુરમાં સંવિધાન બચાવો દેશ બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલા સંમેલનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શ્રોતાઓ પાસે આઝાદીના નારા લગાવડાવ્યા હતા.જોર સે બોલો આઝાદી,પ્યાર સે બોલો આઝાદી,બિસ્મીલવાલી આઝાદી….આ મહાસંમેલનમાં જીગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન આમિર શાહને આડેહાથે લીધા હતા,અને જણાવ્યું હતું કે દેશનું બંધારણ સર્વોપરી છે,અને ધર્મનિરપેક્ષ જાળવવાની શીખ આપે છે,જયારે ધર્મનિર્પેક્ષતાને હટાવીને હિન્દૂ-મુસ્લિમમાં વહેંચીને દેશના ટુકડા કરવાવાળી ટુકડે-ટુકડે ગેંગના ચેરમેન નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે.આ લોકો બંધારણ ઉપર માત્ર ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો રાખીને અંદરના તમામ પાના ફાડી નાખવાનું ષડયંત્ર કરી રહ્યા છે.પરંતુ અમે રાધનપુરથી સંવિધાન બચાવો દેશ બચાવોનું અભિયાન શરુ કર્યું છે,અને ગુજરાત વિધાનસભાનો ઘેરાવો પણ કરવાના છીએ અને મોદી-શાહને સત્તાથી દૂર ના કરીએ ત્યાં સુધી ચાલુ રહેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે શીંગડા-પૂછડાં વિનાનું બજેટ આવ્યું, તેમાં દલિતો-ઓ.બી.સી.-આદિવાસી અને લઘુમતી માટે કોઈ જ ફાળવણી કરવામાં આવી નથી.