
રાજ્યમાં ૪૬ નવા કેસ નોંધાયા અને ૨ના મોત, કુલ પોઝિટિવ કેસ ૩૦૮ થયા, રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશેઃ જયંતિ રવિ
ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં ૪૬ નવા કેસ નોંધાયા છે અને ૨ના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૩૦૮ થયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે.
ભરૂચના ઇખર ગામમાં ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચારેય દર્દી તમિળનાડુના રહેવાસી છે અને જમાતમાં હાજરી આપીને ભરૂચ આવ્યા હતા. ગાંધીનગરમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. કોરોના પોઝિટિવ પૌત્રના સંપર્કમાં આવેલા ૮૪ વર્ષીય દાદાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે ૧૭ પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ ૪ કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ ૧૭ પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ ૨૮૧ દર્દીઓ થઈ ગયા છે.