રાજ્યમાં કોરોનાના દર્દીનો આંકડો ૪૩૨એ પહોંચ્યો, તમામ નવા ૫૪ પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૧ કેસ અમદાવાદમાં, ૧૮ કેસ વડોદરામાં, ૩ કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં ૧-૧ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૪૩૨એ પહોંચ્યો છે. જ્યારે ૧૯ લોકોના મોત નીપજ્યા છે. તો ૩૩ લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.