
રાજતિલક સમારોહ / જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટિ હોમ, ૫૧ બ્રાહ્મણો તીર્થોથી લાવેલા જળ અને ઔષધિઓ દ્વારા અભિષેક કરશે, વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
૧૦૦ પ્રકારની ઔષધિઓ એકત્ર કરવામાં આવી
ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર થઇ રહ્યા છે
રાજકોટઃ રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. સાથોસાથ રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યા માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપી રહ્યા છે. મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે. તેમજ ૫૧ બ્રાહ્મણો દ્વારા ૩૧ તીર્થોથી આવેલા જળ અને ઔષધિઓનો પણ અભિષેક કરવામાં આવશે. જેનો વિશ્વ વિક્રમ થવા જઇ રહ્યો છે. ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ બે વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
૧૦૦ પ્રકારની ઔષધિઓઓ અભિષેક
રાજસુય યજ્ઞમાં ૩૦૦ બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે. ૧૦૦ પ્રકારની ઔષધિઓ એકત્ર કરવામાં આવી છે. જેનો પણ અભિષેક કરવામાં આવશે. તેમજ ભારતની વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવ્યા છે. આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ સાંધ્યપૂજન પણ કરવામાં આવશે.
૧૪ પ્રકારની માટીનો પણ અભિષેક
રાજતિલક સમારોહમાં આજે જળ, ઔષધિઓ સાથે ૧૪ પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે. જેમાં ગૌશાળા, બળદના પગની માટી, રથના પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી. રાજમહેલની માટી, પીપળાના વૉક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંતમાંથી ઉખડેલી માટી સહિત તમામ માટી દ્વાવા રાજ્યાભિષેક કરાશે. શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે રાજ્યાભિષેક કરવાથી રાજાના શરીરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.