રાજતિલક સમારોહઃ ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરીઓએ ૯ મિનિટ ૪૯ સેકન્ડ સુધી તલવાર રાસ લીધો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજકોટઃ
રાજકોટના રાજવી પરિવારના આંગણે જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓ માટે રૂડો પ્રસંગ આવ્યો છે. 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટ નહીં ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય તેવો વિશ્વ વિક્રમ યોજાયો છે. રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરાઓએ પરંપરાગત પોષાકમાં કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવિન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ લીધો હતો. આ તમામ દીકરીઓએ 9 મિનિટ અને 49 સેકન્ડ સુધી સતત તલવાર રાસ લઇ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના રાજપુત સમાજની 2500થી વધુ દીકરીઓ તલવાર રાસની પ્રેક્ટિસ કરી રહી હતી. તલવાર રાસથી નારી શક્તિના દર્શન જોવા મળ્યા હતા. પરંપરાગત પોષાકમાં રાજપુત સમાજના લોકો જોવા મળ્યા હતા. તલવાર રાસમાં રાજપુત સમાજની યુવતીઓ અને મહિલાઓ પણ સામેલ થઇ હતી. તલવાર રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.તલવાર રાસ યોજાયો ત્યારે રાજકોટના 17માં ઠાકોર સાહેબ બનનાર છે તે માંધાતાસિંહ જાડેજા, તેમના દીકરા જયદીપસિંહ જાડેજા, યુવરાણી કાદમ્બરીદેવી સહિત સૌરાષ્ટ્રના રાજવી પરિવારો હાજર રહી તલવાર રાસને નીહાળ્યો હતો. લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી છે. તલવાર રાસ બાદ ટીમે તલવાર રાસના વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ માંધાતાસિંહને અર્પણ કર્યું હતું.23 ઓગસ્ટ 2019ના રોજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનોએ એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓએ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.