
રાજકોટમાં ૮ દિવસથી પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી, ચક્કાજામ કર્યું
રાજકોટઃ શહેરમાં ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે જ પાણીની હોળી શરૂ થઇ ગઇ છે. આજીડેમમા પણ ૨૦થી ૫૦ દિવસ ચાલે તેટલું જ પાણી છે. જો કે કોર્પોરેશને સરકારને પત્ર લખી સૌની યોજનાથી ડેમ ભરવા જણાવ્યું છે અને સરકારે પણ મૌખિક હા પાડી દીધી છે. પરંતુ શહેરના અવધ રોડ પર આવાસ યોજનામાં છેલ્લા આઠ દિવસથી પાણીની ફરિયાદો ઉઠી છે. ૧૪ માર્ચના રોજ આવાસમાં રહેતી મહિલાઓ રોષે ભરાઇ હતી અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. જેને પગલે રસ્તા પરના ટ્રાફિકમાં અવરોધ ઉભો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
મહિલાઓ ખાલી ડોલ લઇ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, આટલા સમયથી પાણી મળતું ન હતું. ૨૦૦ રૂપિયા ચૂકવી પાણી મંગાવી રહ્યા છીએ. આજે કંટાળી રસ્તા પર આવવાની ફરજ પડી હતી. મહિલાઓ બેડા સાથે રસ્તા પર ઉતરી બેડા ખખડાવ્યા હતા અને પાણી આપવા માંગ કરી હતી. મહિલા રસ્તા પર આવતા ટ્રાફિકજામ થતા પોલીસ દોડી ગઇ હતી અને ટ્રાફિક શરૂ કરાવ્યો હતો અને મહિલાઓને સમજાવી હતી. જો કે રોષે ભરાયેલી મહિલાએ પોલીસની સાથે પણ બોલાચાલી કરી હતી. સરકારના આવાસમાં મહિલા હેરાન થતી હોવા છતાં કોઇ ધારાસભ્ય કે સત્તાપક્ષના નેતા આવ્યા ન ન હતા.
રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા મોખરે રહ્યો છે. અનેક વખત સૌની યોજનાથી આજીડેમ ભરી દેવામાં આવ્યો છે. છતાં તંત્રની અણઆવડતને લઇ પૂરતું પાણી કે નિયમિત પાણી મળતું નથી. કોર્પોરેશન પણ હંમેશા પાણી માટે સબસલામતના દાવા કરતું હોય છે. જ્યારે આજે કાલાવડ રોડ પર આવેલા સરકારી આવાસમાં છેલ્લા આઠ દિવસથી પાણી મળતું ન હોવાની વાત સામે આવી છે. અનેક વખત રજૂઆતો છતા તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ વખતે રાજકોટમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. છતાં આજીડેમમાં તળિયા દેખાઇ ગયા છે અને માત્ર ૨૦થી ૫૦ દિવસ ચાલે તેટલું જ પાણી છે. ત્યારે ફરી એકવાર મનપાએ સરકાર પાસે હાથ લાંબો કર્યો અને સૌની યોજનાથી આજી ડેમ ભરી આપવા માંગ કરી છે. જો કે સરકારે માંગ સ્વીકારી કાલથી અમુક ડેમ ભરવાના શરૂ કરશે.