રાજકોટમાં ૧૬ વર્ષની સાવકી પુત્રી પર ૨ વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર પિતા ઝડપાયો
રાજકોટઃ શહેરની ભાગોળે રહેતી ૧૬ વર્ષની સગીરાનું પેટ મોટું દેખાવા લાગતાં તેની જનેતા તેને હોસ્પિટલે લઇ ગઇ હતી, સગીરા સગર્ભા હોવાનું ખુલતાં માતા સ્તબ્ધ થઇ ગઇ હતી, અને જ્યારે તેના જ પતિએ દુષ્કર્મ આચર્યાની વાત સાંભળી ત્યારે મહિલાના પગ તળેથી જાણે જમીન ખસી ગઇ હતી. મહિલાના આ બીજા લગ્ન હતા અને સગીરા પર બે વર્ષથી તેનો સાવકો પિતા જેરામ બુજાવન ચૌધરી જ શારીરિક અત્યાચાર ગુજારતો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
નવાગામ નજીક રહેતી ૪૦ વર્ષીય મહિલાએ દુષ્કર્મ અંગે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ પતિ મૂળ નેપાળના વતની જેરામ બુજાવન ચૌધરીનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તી થઇ હતી. પુત્રી ત્રણ વર્ષની થઇ ત્યારે પતિ છોડીને જતો રહેતા મહિલાએ જેરામ ચૌધરી સાથે બીજા લગ્ન કર્યા હતા અને મહિલા તથા તેની પુત્રી જેરામ સાથે રહેતા હતા. જેરામ થકી પણ મહિલાને સંતાનની પ્રાપ્તી થઇ હતી.
પોતાની ૧૬ વર્ષની પુત્રીનું કેટલાક દિસવથી પેટ મોટું દેખાવા લાગ્યું હતું, પુત્રીને પેટની કોઇ સામાન્ય બીમારી હશે તેવું કેટલાક દિવસ લાગ્યું હતું પરંતુ દિનપ્રતિદિન પેટ વધતાં મહિલાને શંકા ગઇ હતી અને બે દિવસ પૂર્વે સગીર પુત્રીને લઇને નજીકના દવાખાને લઇ ગઇ હતી. તબીબોએ સગીરાને તપાસીને કહ્યું હતું કે, સગીરા સગર્ભા છે અને તેને ચોથો મહિનો ચાલે છે. સગીર પુત્રી સગર્ભા હોવાનું સાંભળી મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી.
પુત્રીને ઘરે લઇ જઇને મહિલાએ તેને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં સગીરા ભાંગી પડી અને માતા સમક્ષ આપવીતી કહેતા કહ્યું હતું કે, તેનો સાવકો પિતા જેરામ ચૌધરી છેલ્લા બે વર્ષથી તેના પર શારીરિક અત્યાચાર કરી બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો, સગીરાએ જ્યારે જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે જેરામ સગીરા અને તેની માતાને મારી નાખવાની ધમકી આપતો હતો. ગભરાયેલી સગીરા સાવકા પિતાનો અત્યાચાર સહન કરતી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી જેરામ ચૌધરી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.