રાજકોટની કંપનીએ ૧૦ દિવસમાં જ ૧ લાખનું સ્વદેશી વેન્ટિલેટર ‘ધમણ-૧’ બનાવ્યું, ૧૦૦૦ નંગ ગુજરાતને આપશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ 
કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત ૧૦ દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે. ધમણ-૧ નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. ૧ લાખ જેટલી છે. જ્યારે બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટરની કિંમત રૂ. ૬.૫૦ લાખ જેટલી હોય છે અને અત્યારે તો તેની પણ ભયંકર શોર્ટેજ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ આજે ગાંધીનગરમાં ધમણ-૧ને લોંચ કર્યું હતું. આગામી ૧૦ દિવસમાં ગુજરાત સરકારને કંપની તરફથી ૧૦૦૦ ધમણ-૧ વેન્ટિલેટર સપ્લાય કરાશે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની લડાઈમાં વેન્ટિલેટરની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. પોઝિટિવ દર્દીને શ્વાસમાં તકલીફ પડે એટલે વેન્ટિલેટર પર તેને રાખવા પડે છે. આવામાં વેન્ટિલેટરની અછત સર્જાય તે સ્વાભાવિક છે. જો કે, રાજકોટની જ્યોતિ સીએનસીએ ઓછા ખર્ચે અસરકારક વેન્ટિલેટર બનાવવાનો પડકાર ઝીલ્યો હતો અને પરાક્રમસિંહ જાડેજાએ મેઈડ ઈન ગુજરાત, મેઈડ ઈન રાજકોટ એવું આ વેન્ટિલેટર બનાવીને તેને કાર્યરત કરી દેખાડ્યું છે.
 
આ અંગે જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ડૉ. રાજેન્દ્રસિંહ પરમારની ટીમ કે જેણે ૫ વર્ષ યુએસમાં કામ કર્યું છે તે આ મશીનનું બ્રેઈન છે. તેમની સાથે ૧૫૦ નિષ્ણાત ઈજનેરોની ટીમ આ વેન્ટિલેટરને બનાવવાના કાર્યમાં જોડાઈ હતી. તેણે સાતેક દિવસમાં જ વેન્ટિલેટરની ડિઝાઈન અને પાર્ટ્સ એસેમ્બલિંગનું કાર્ય પૂરું કર્યું હતું. જ્યારે ગાંધીનગર ઈક્યૂડીસી ઈન્સ્ટિટ્યૂટમાં બે દિવસ સુધી તેનું પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પરીક્ષણના બધા માપદંડો પર ખરું ઉતર્યું તે પછી તેને પ્રમાણિત કર્યું હતું અને સતત ૧૦ કલાક સુધી તેનું પરીક્ષણ ચાલ્યું હતું.
 
અત્યારે કોઈ ઈમ્પોર્ટ્સ થતી નથી માટે વિદેશમાંથી વેન્ટિલેટરના પાર્ટ્સ મેળવવા અશક્ય છે. આવામાં ભારતની ૨૬ જેટલી કંપનીઓનો જ્યોતિ સીએનસીએ સંપર્ક કરીને પાર્ટ્સની ઈન્ક્વાયરી કરી હતી. આ તમામ કંપનીએ પાર્ટ્સ આપવા ઉત્સુકતા દાખવી હતી અને અત્યારે તેનો કોઈએ ભાવ ક્વોટ નથી કર્યો અને પેમેન્ટ પણ માગ્યું નથી. આ વિગતો જણાવતા પરાક્રમસિંહે ઉમેર્યું હતું કે, વેન્ટિલેટર બનાવવા સુરત, જામનગર, મોરબી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર સહિતની ભારતીય કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે અને આ કારણે જ આ વેન્ટિલેટરની બનાવટનો ખર્ચ રૂ. ૧ લાખથી પણ ઓછો આવ્યો છે.
 
અત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ધમણ-૧નું કોરોનાના પેશન્ટ પર પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પાંચ કલાક કરતા વધુ સમયથી દર્દી પર સારી રીતે કામ કરી રહ્યું છે, એમ પરાક્રમસિંહે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ધમણ-૧ એ પ્રેશર કંટ્રોલ્ડ ઈક્વિપમેન્ટ છે અને ખાસ કોવિડ-૧૯ના પેશન્ટ માટે બનાવ્યું છે. તે ઈએમઆઈ ટેસ્ટ એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક ઈન્ટરફિયરન્સ ક્રાઈટેરિયાના ટેસ્ટમાં પણ સફળ થયું છે. આગળ જતાં તેઓ ધમણ ૨ અને ૩ પણ બનાવશે જે ઘણું એડવાન્સ્ડ વેન્ટિલેટર હશે. અત્યારની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને રિસ્પાયરેટરી સિસ્ટમને સપોર્ટ કરતું આ વેન્ટિલેટર બનાવ્યું છે.
 
 
જ્યોતિ સીએનસી આગામી ૩ દિવસમાં તેની પ્રોડક્શન કેપેસિટીને સંપૂર્ણ બનાવશે. અત્યારે કંપનીએ ૩ મશીન બનાવ્યા છે અને ૩ દિવસ બાદ રોજના ૧૦૦ મશીન બનાવી પહેલા ૧૦૦૦ વેન્ટિલેટર ગુજરાત સરકારને ડોનેટ કરશે. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર કે જ્યાંની ઉદ્ધવ સરકારે પણ તેમનો સંપર્ક કરેલો છે તેને તથા દેશના અન્ય જરૂરિયાતવાળા રાજ્યોને પણ તેઓ ધમણ-૧ સપ્લાય કરશે. આ વેન્ટિલેટરનો મામૂલી ખર્ચ જ તેની સૌથી મોટી ખાસિયત છે. જે રીતે હાર્મોનિયમમાં ધમણ હોય છે અને તે સૂરને જીવંત રાખે છે તે રીતે ફેફસાં પણ ધમણની શૈલી પર કામ કરીને જીવનના સૂરને જીવંત રાખે છે માટે તેનું નામ ધમણ રાખ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.