રાજકોટઃ એન્જિનિયરીંગ કોલેજને વિદ્યાર્થિનીએના એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
રાજકોટઃ મૂળ જામનગરની વતની અને રાજકોટના મોરબી રોડ પર બેડી હડમતીયામાં આવેલી સંજયરાજ રાજ્યગુરૂ કોલેજમાં એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં ભણતી અને કોલેજ કેમ્પસમાં જ આવેલી છાત્રાલયમાં રહેતી રીટા કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૨૦)એ સાંજે છાત્રાલયમાં પંખામાં દૂપટ્ટો બાંધી જિંદગી ટૂંકાવી લીધી હતી. અંતિમ વર્ષમાં એટીકેટી આવી હોવાથી કેટલાક દિવસથી તે ચિંતામાં રહેતી હતી. આ કારણે આત્મઘાતી પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. આપઘાત પાછળ અન્ય કોઇ કારણ તો નથી ને? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
ગત સાંજે કોલેજ કેમ્પસની છાત્રાલયના રૂમમાં રીટા ગોહેલે ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ની ટીમ પહોંચી હતી. ઇએમટીની તપાસમાં રીટાનું મોત નીપજ્યાનું જણાતાં પોલીસને જાણ કરતાં કુવાડવા પોલીસ દોડી આવી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રીટા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. પિતા દરજી કામ કરે છે. રીટા છેલ્લા બે વર્ષથી કોલેજના છાત્રાલયમાં જ રહેતી અને અભ્યાસ કરતી હતી. એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં એટીકેટી આવી હોય તેની ચિંતામાં આ પગલું ભર્યાનું હાલ બહાર આવ્યું છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ ખરેખર આવું જ કારણ છે કે અન્ય કંઇ? તેની તપાસ થઇ રહી છે.