
મોડાસામાં એક જ રાતમાં ૩ મંદીરો અને ૩ મકાનોમાં તસ્કરોનો હાથફેરો
મોડાસામાં એક સાથે ૩ મંદીરો અને ૩ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યુ છે. મોડાસાના જીતપુર, રાજપુર અને બિલાડી ઘોડા ગામે તસ્કરોએ ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ સાથે સુરપુર અને રાજપુરમાં ત્રણ મકાનમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી જીલ્લામાં તસ્કરો બેફામ બની ચોરી કરતા હોવાની પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તાલુકાના બિલાડીઘોડા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં ત્રાટકી દાનપેટીમાં રહેલા ૪૫ થી ૫૦ હજાર રૂપિયા ચોરી લીધા હતા. આ સાથે રાજપુરમાં આવેલા પ્રસિદ્ધ રામદેવ મંદિરમાં દાનપેટીમાં રાખેલા ૫ હજારની ચોરી કરી હતી. જોકે મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી. આટલે નહિ અટકતાં રાજપુરમાં એક બંધ મકાનમાં હાથફેરો કરી તસ્કરોએ જીતપુર ગામે આવેલ મંદિરમાંથી ૫ હજારની ચોરી કરી પલાયન થયા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, તસ્કરોએ મારડિયા પાટિયા નજીક આવેલા સુરપુર ગામમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ઘરમાં રહેલા કિંમતી દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસના નાક નીચે એક જ રાતમાં તસ્કરોએ ૩ મંદિર અને ૪ બંધ મકાનોમાં ચોરી કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.