મોડાસાઃ હોસ્ટેલના રેક્ટર પર હુમલાના આરોપીઓને ઝડપી પાડવા માંગ
મોડાસામાં ખાનગી હોસ્ટેલના રેક્ટર પર હુમલા બાદ આરોપીને ઝડપી પાડવાની માંગ પ્રબળ બની છે. કચ્છી પટેલ સમાજના લોકોએ મહારેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે પોલીસ દ્રારા પણ આરોપીઓને આગોતરા જામીન લેવા માટે પુરતો સમય મળે તેવી કામગીરીને લઇ ગંભીર આક્ષેપો કર્યા છે. મહારેલીમાં કચ્છી પટેલ સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
અરવલ્લી જીલ્લાના મોડાસાની ખાનગી હોસ્ટેલના રેક્ટર ઉપર હુમલાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. ઘટનાને ૧૨ દિવસ થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે. કચ્છી પટેલ સમાજ દ્રારા ઉમિયા માતાજી મંદિરથી મહારેલી યોજી વધુ એકવાર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખાનગી હોસ્ટેલના રેક્ટર ઉપર હુમલો કરવામાં હિરેન ચૌધરી સહિતના લોકોનું નામ સામે આવ્યુ છે. હિરેન ચૌધરી અને તેના મળતિયાઓ દ્રારા વોશબેસીનની પાઈપ તોડી નાખી પાઈપ છેડે લાગેલ લોખંડના બોલ્ટ રેક્ટરના માથામાં અને શરીરના ભાગે મારી જીવલેણ હુમલો કર્યો હતો. ખાનગી હોસ્ટેલના રેક્ટર પર હુમલો કરનાર ૭ શખ્શોમાંથી એક આરોપી છોટાઉદેપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતો હોવાનું સામે આવ્યુ છે.