
મહાશિવરાત્રીઃજૂનાગઢ મેળામાં ત્રીજા દિવસે ૩ લાખ ભાવિકો ઉમટ્યા, ૧૩ વર્ષના બાળકે સંન્યાસ ધારણ કરી લીધો.
જૂનાગઢઃ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં બીજા દિવસે બપોર બાદ ઉમટેલી ૨ લાખથી વધુ ભાવિકોની ભીડ બાદ ત્રીજા દિવસે સવારથી જ લોકોનો પ્રવાહ ભવનાથ તરફ શરૂ થઇ ગયો હતો. દિવસ દરમિયાન ૩ લાખથી વધુ ભાવિકોની હાજરી રહી હતી. આજે મેળાનો ચોથો દિવસ છે ત્યારે ભાવિકોનો પ્રવાહ વધવાની સંભાવના છે. મેળામાં હિતેનગીરી નામનો ૧૩ વર્ષના બાળકે સંન્યાસ ધારણ કર્યો હતો જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મહાશિવરાત્રીનો મેળો શરૂ થતા અનેક સંતો, મહંતો, નાગા સન્યાસીઓ આવી પહોંચ્યા છે. દરમિયાન એક ૧૩ વર્ષના બાળયોગીએ લોક આકર્ષણ જમાવ્યું છે. ગત જન્મના ઉત્તમ સંસ્કારના કારણે નાની ઉંમરમાં જ સંસાર અસાર લાગતા તેમણે સન્યાસ લીધો છે. હિતેનગીરી નામના ૧૩ વર્ષીય બાળકે ગુરૂ રમાગીરી પાસેથી દીક્ષા લઇ સન્યાસ ધારણ કરી લીધો છે. મહા શિવરાત્રીના મેળામાં ધૂણી ધખાવી બેઠેલા આ બાળ સન્યાસી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પગપાળા ભાવિકોનો પ્રવાહ વધી ગયો, ભરડાવાવથી સાંજે વાહનોને પ્રવેશ બંધ કરાવ્યો
મેળામાં આવતા પગપાળા રાહદારીઓની આવન અને જાવનને લીધે ભીડ ઘણી વખત વધી જતી હોય છે. આથી એ ભીડ ઓછી કરવા અને દુર્ઘટના ન બને એ માટે ડ્ઢઅજp કક્ષાના અધિકારીની સુચનાથી પોલીસ થોડી થોડી વાર માટે ભરડાવાવથી જ વાહનોની એન્ટ્રી અટકાવી દે છે. રાહદારીઓની સંખ્યા ઘટી ગયા બાદ ફરીથી વાહનોને શરૂ કરી દેવાય છે. લોકો પોતાના વાહનોમાં સીધા ભવનાથ વધુ જતા હોવાથી આ વખતે હજુ સુધી જો કે, મજેવડી ગેઇટ, બસ સ્ટેશન રોડ, પર ભારે ટ્રાફિક સર્જાયો નથી. અત્યારે જૂનાગઢ તરફ આવતા વાહનો ભરચક્ક હોય છે. અને જતા વાહનોમાં બહુ ભીડ નથી. સવારે અને સાંજે ગીરનાર રોડ પર વધુ ટ્રાફિક રહે છે. જ્યારે બપોરે ૪ કલાકના સમયગાળામાં આ રોડ પર હળવો ટ્રાફિક રહે છે.
હઠયોગ એટલે કોઇ પણ ક્રિયા દ્વારા સધાતો યોગનો એક પ્રકાર. દિગંબર સાધુઓ મેળામાં જુદા-જુદા આસન અને યોગથી હઠયોગ કરી રહ્યાં છે. તો વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ નિરંતર ફરજનિષ્ઠ રહી કર્મનો હઠયોગ કરી રહ્યા છે. જયારે અન્નક્ષેત્રવાળા નિસ્વાર્થભાવે રાત-દિવસ ભાવિકોની જઠરાગ્નિ ઠારી સેવાનો હઠયોગ કરી રહ્યાં છે.બીજી તરફ સદાવ્રત અન્નક્ષેત્રના દિલેર દાતા, નરસિંહ મહેતાના વૈષ્ણવ જનના સ્વરૂપમાં ૨૪ કલાક સેવારત સ્વયંસેવક અને સંસારમાં મોહમાયા મુક્ત થઈને શિવની ભક્તિનો સંદેશો આપતા અલખધારી સાધુ-સંતો ના દર્શન સનાતન સંસ્કૃતિની ધર્મ ધજા ફરકાવતા ઉંચા ગઢ ગિરનારના સાનિધ્યમાં યાત્રિકોને થાય છે. પ્રકૃતિ ,ભક્તિ, અલખની આરાધના અને માનવસેવા સહિતના આદર્શોમાં યાત્રિક એટલો ઓળઘોળ થઈ જાય છે કે આ ચાર-પાંચ દિવસ ની ભક્તિ અને આરાધના સૌરાષ્ટ્રના ગામડા અને શહેરોમાંથી આવતા ભાવિકને રોજ-બરોજના કાર્યબોજમાંથી હળવાફૂલ કરી આવતા વર્ષ સુધી પ્રસન્ન રહે એવું ઇંધણ પુરૂ પાડે છે.
શિવરાત્રી મેળામાં દિગંમ્બર સાધુઓ તેમની સાધના કરી રહ્યા છે. શ્રદ્ઘાળુઓ તેમનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મેળામાં આવેલા શિવરાત્રીગીરી પોતાની હાથે જ રસોઇ બનાવી જમાડી રહ્યા છે. જ્યારે શેરનાથ બાપુનાં આશ્રમે ૨૫થી વધુ ચુલાઓ ઉપર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા બહેનો રોટલા બનાવી લોકોને જમાડી રહ્યા છે. ભવનાથમાં સતત અન્નક્ષેત્રનાં હરિહરનો નાદ ગુંજતો રહે છે.
શિવરાત્રીનાં દિવસે મધ્યરાત્રીનાં ભવનાથમાં દિગંમ્બર સાધુઓની રવાડી નિકળે છે. ત્રણ અખાડાનાં સાધુ-સંતો તેમાં જોડાઇ છે. તેમજ ત્રણેય અખાડાનાં ઇષ્ટદેવની પાલખી નીકળે છે. જેમાં પંચદશનામ જૂના અખાડાનાં દતાત્રેય ભગવાન, આહ્વાન અખાડાનાં ગણેશજી અને અગ્નિ અખાડાનાં ગાયત્રી માતાજી ઇષ્ટદેવ છે. મેળાનાં પ્રારંભે જ તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. હાલ ભાવિકો તેમનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. મેળાનાં ત્રણ દિવસ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે આજથી દિગંબર સાધુ અને મહંતો રવાડીની તૈયારીમાં લાગી ગયા છે. રવાડી નીહાળવા ગુજરાતભરમાંથી લોકો આગલા દિવસે જ પહોંચી જાય છે. એટલું જ નહીં શિવરાત્રીનાં દિવસે ચાર વાગ્યાથી જ લોકો પોતાની જગ્યા રોકી લે છે. અને રવાડીનાં રૂટ ઉપર ગોઠવાઇ જાય છે.