
ભૂજની સહજાનંદ કોલેજમાં ચાલુ ક્લાસમાંથી વિદ્યાર્થિનીઓને બહાર કાઢી, કપડાં કઢાવી આ વસ્તુ તપાસી
અહીં એકબાજુ સરકારનાં પ્રયાસ છે કે વિદ્યાર્થિનીઓ ભણી ગણીને આગળ વધે. અને તે નિયમિત શાળા અને કોલેજો જાય. માસિક ધર્મને કારણે અનેક વિદ્યાર્થિનીઓ અભ્યાસ છોડી દેવાનું સામે આવતાં સરકાર દ્વારા શાળાઓમાં પીરિયડ્સ અને સેનેટરી નેપકીનનાં અનેક ક્લાસ આપી જાગરૂક કરવામાં આવે છે. પણ કચ્છ જ નહીં પણ સમગ્ર ગુજરાતનાં શિક્ષણજગતને શર્મસાર કરતો એક કિસ્સો ભૂજમાંથી સામે આવ્યો છે. ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાંથી છોકરીઓને ક્લાસમાંથી બહાર કાઢી કપડાં કાઢીને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી.
ઘટનાની વિગતમાં વાત જણાવતાં વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, બુધવારે અમે ક્લાસમાં બેઠા હતા તે સમયે અમને ચાલુ ક્લાસમાંથી બહાર બોલાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ અમને પેસેજમાં બેસાડવામાં આવ્યા હતા. અને અમને અમારા માસિક ધર્મ અંગે પુછવામાં આવ્યું હતું. એટલું જ નહીં એક બાદ એક છોકરીઓને બાથરૂમમાં લઈ જઈને કપડાં કાઢીને પીરિયડ છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું હતું.
આ શરમજનક ઘટના અંગે જ્યારે વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો તો કોલેજના સંચાલકોએ ઉપરથી વિદ્યાર્થિનીઓને જ ધમકી આપી દીધી હતી. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો કે, સંચાલકોએ કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે. અને ભવિષ્યમાં પણ આ જ રીતે પીરિયડ્સની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો કોઈને મંજૂર હોય તો જ કોલેજમાં રહેવું અથવા કોલેજ છોડીને જતા રહેવા જણાવ્યું હતું. એટલું જ નહીં સંચાલકોએ છોકરીઓને જે થાય તે કરી લેવા માટે પણ કહ્યું હતું.
આ ઘટના બાદ છોકરીઓએ કોલેજ સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવાની માગ કરી છે. તો સાથે તેઓને પોતાના ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે. કેમ કે, કાલે ઉઠીને કોલેજ સત્તાધીશો આ વાતનો બદલો તેમની સાથે લેશે અને તેઓનો અભ્યાસ પણ બગડશે.